અમદાવાદમાં અપહરણ-ખંડણી કેસના આરોપીએ PIની રિવોલ્વર છીનવી કર્યું ફાયરિંગ
Ahmedabad Kidnapping Extortion Case: અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જમીન દલાલનું અપહરણ કરીને રૂ. 52.50 લાખની લૂંટ ચલાવવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં સંડોવાયેલા આરોપી આરોપી સંગ્રામસિંહ રાકેશસિંહ સિકરવારે (35) કસ્ટડી ટ્રાન્સફર દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરની રિવોલ્વર છીનવીને પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે શુક્રવારે સવારે આરોપીના પગમાં ગોળી મારી હતી. પોલીસે સ્વબચાવમાં આ પગલું ભર્યું હતું.
મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરનો અને હાલ અમદાવાદના વસ્ત્રાલમાં રહેતો સંગ્રામસિંહ અનેક ગુનાઓનો આરોપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી અને દારૂબંધીના કાયદા હેઠળ ઓછામાં ઓછા નવ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તે ભૂતકાળમાં અનેક હત્યાઓ સાથે પણ સંકળાયેલો છે.
શું હતી ઘટના?
તાજેતરમાં વસ્ત્રાલમાં એક જમીન દલાલના અપહરણ અને ₹52 લાખની લૂંટના કેસમાં સિકરવારની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે તેને કસ્ટડી ટ્રાન્સફર માટે લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તેણે પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને સાથે રહેલા પોલીસ ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વર ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો.
એક વરિષ્ઠ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે 'ઝપાઝપી દરમિયાન તેણે ટીમ પર ગોળીબાર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. સ્વબચાવમાં અધિકારીઓએ ગોળીબાર કર્યો, જેનાથી તે પગમાં ઘાયલ થયો. ગોળી વાગ્યા બાદ સિકરવારને તાત્કાલિક શહેરની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તેની હાલત ગંભીર નથી અને તે ખતરાની બહાર છે.'
પોલીસે હોસ્પિટલની આસપાસ સુરક્ષા સઘન બનાવી છે અને આ ઘટનાની આંતરિક તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત, વસ્ત્રાલ અપહરણ કેસની તપાસ પણ ચાલુ છે, જેમાં પીડિતના ભત્રીજા સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.