લાફા ઝીંકનાર પી.આઈ. બી.સી.છત્રાલીયા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા ભલામણ

પાટડીની હોસ્પિટલમાં મૃતકના સગાને લાફા ઝીંકવાનો બનાવ
મૃતકના સગાએ ગેરવર્તન કર્યું છતાં સંયમ રાખી કાર્યવાહી કરવાને બદલે ઉશ્કેરાટમાં આવી બળપ્રયોગ કર્યો
એએસઆઈ ભારતસિંહ વિરૃધ્ધ પણ સ્થાનિક કક્ષાએ કાર્યવાહી શરૃ કરવામાં આવી
સુરેન્દ્રનગર - પાટડીની સરકારી હોસ્પિટલમાં મૃતકના સગા લાફા ઝીંકવાનો બનાવ બન્યો હતો જે અંગેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસની કામગીરી સામે આક્ષેપો સાથે અનેક સવાલો થયા હતા. ત્યારે આ મામલે ધ્રાંગધ્રા પોલીસ ડિવીઝનને તપાસ સોંપ્યા બાદ લાફા ઝીંકનાર પાટડી પીઆઈ બી.સી.છત્રાલીયા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની રાજકોટ રેન્જ આઈજીને ભલામણ કરવામાં આવી છે. તેમજ એએસઆઈ ભારતસિંહ વિરૃધ્ધ પણ સ્થાનીક કક્ષાએ કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.
પાટડીની સરકારી હોસ્પિટલમાં ગત તા.૨૭ મેના રોજ પાટડી શહેરી વિસ્તારમાં રહેતા અને સોલડી ગામના શિક્ષક રાજેન્દ્રભાઈ જાદવનું મોત નીપજતા તેઓના મૃતદેહને પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જે દરમ્યાન મૃતકના સગા ભત્રીજા રમેશભાઈ ભીખાભાઈ જાદવ (રહે.બુબવાણા તા.પાટડી) તેમજ સચીનભાઈ માધવભાઈ ચૌહાણ અને ચીરાગભાઈ મનુભાઈ ચૌહાણ (બંને રહે.દેગામ)એ ડોક્ટર અને સ્ટાફને ગાળો આપી ગેરવર્તન કર્યું હતું. જે મામલે ફરજ પરના ડોક્ટરે પાટડી પોલીસને જાણ કરતા એએસઆઈ ભારતસિંહ, પીઆઈ બી.સી.છત્રાલીયા હોસ્પિટલ પહોંચ્યા અને દંગલ મચાવનાર શખ્સોને સમજાવવા પ્રયાસો હાથધર્યા પરંતુ રમેશભાઈ જાદવે પીઆઈ છત્રાલીયાનું બાવળું પકડી ધક્કો માર્યો હતો તેમજ એએસઆઈ ભારતસિંહ સાથે પણ ઝપાઝપી કરતા પીઆઈ સહિતના પોલીસ કર્મચારીએ યુવકને લાફા ઝીંકતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
જેમાં રમેશભાઈ દારૃ પીધેલી હાલતમાં હોય પાટડી પોલીસ મથકે આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમજ સાથે રહેલ અન્ય બે શખ્સો સામે ચેપ્ટર કેસ કરી અટકાયતી પગલા લીધા હતા. બનાવ અંગે ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિતને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં સમગ્ર બનાવમાં આરોપીઓ દ્વારા ગેરવર્તન કર્યું હોવા છતાં પોલીસે સંયમ રાખી કાયદેસરની કાર્યવાહી કરવાની જરૃર હતી પરંતુ ફરજ પરના પીઆઈ અને એએસઆઈ દ્વારા ઉશ્કેરાટમાં આવી બળપ્રયોગ કર્યો હોવાનું જણાઈ આવતા પીઆઈ બી.સી.છત્રાલીયા વિરૃધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી માટે રાજકોટ રેન્જ આઈજીને ભલામણ કરવામાં આવી છે તેમજ એએસઆઈ ભારતસિંહ વિરૃધ્ધ પણ સ્થાનીક કક્ષાએ કાર્યવાહીની પ્રોસીડીંગ શરૃ કરવામાં આવી હોવાનું સુરેન્દ્રનગર જીલ્લા ડેપ્યુટી આઈજી ડો.ગીરીશકુમાર પંડયાએ જણાવી પ્રતિક્રિયા આપી હતી.

