ગુજરાતમાં વ્યાજબી ભાવના અનાજની દુકાનદારોની આજથી હડતાલ, જાણો શું છે માંગણી

Gujarat strike: ગુજરાત રાજ્યના વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો શનિવારથી (1 નવેમ્બર) રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરી ગયા છે. વડોદરા શહેર અને જિલ્લાના 450થી વધુ FPS સંચાલકો પણ આ બંધના સમર્થનમાં જોડાઈ ગયા છે અને તેમણે રાજ્ય સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જ્યાં સુધી ગુજરાતના બે મુખ્ય એસોસિએશનો દ્વારા રજૂ કરાયેલા તેમના પડતર પ્રશ્નો અને યોગ્ય માંગણીઓનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી વિતરણ વ્યવસ્થામાં જોડાશે નહીં.
સરકાર પર શોષણનો આક્ષેપ
એફપીએસ સંચાલકોનો આક્ષેપ છે કે, સરકાર વર્ષોથી તેમને અપૂરતું કમિશન આપીને અને જાતજાતની અડચણો ઊભી કરીને તેમનું શોષણ કરી રહી છે. સંચાલકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે સરકાર તેમને ધીમું ઝેર આપીને ખતમ કરવાની દિશામાં આગળ વધી રહી છે.
વડોદરાના સંચાલકોની મુખ્ય માંગણીઓ:
વડોદરાના સંચાલકોએ સ્પષ્ટ કર્યું છે કે, જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ વડોદરામાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ અને ધરણાં શરૂ કરશે. તેમની મુખ્ય માંગણીઓમાં નીચે મુજબનો સમાવેશ થાય છે:
- કમિશનમાં વધારો: લઘુત્તમ 40,000 પ્રતિ માસ કમિશન તથા રૂ.3 પ્રતિ કિલો કમિશન આપવું.
- નિયમોમાં સુધારો: હાલની 97 કાર્ડધારકની શરત દૂર કરવી અને કમિશન ગણતરીની પહેલાંની વ્યવસ્થા ફરીથી અમલમાં મૂકવી.
- વજનની ખાતરી: દુકાન સુધી આવતો જથ્થો નિર્ધારિત વજન મુજબ અને પૂર્ણ માત્રામાં મળે તે સુનિશ્ચિત કરવા માટે વાહનમાં જ વજન કરવા માટે કાંટાની સુવિધા ફરજિયાત કરવી.
આ પણ વાંચોઃ મોટું સંકટ! અરબ સાગરનું ડિપ્રેશન હજુ ગુજરાત ફંટાય તેવી શક્યતા, 4 દિવસ માવઠાની આગાહી
જથ્થાના વિતરણમાં વિલંબથી મુશ્કેલી:
સંચાલકોએ પુરવઠા વિભાગ પર આક્ષેપ કર્યો છે કે, નાણાં ભર્યા બાદ પણ ઘણીવાર 20 થી 25 દિવસ સુધી જથ્થો દુકાન સુધી પહોંચતો નથી. આ વિલંબના કારણે કાર્ડધારકો સામે સંચાલકો માટે શરમજનક પરિસ્થિતિ ઊભી થાય છે. તેમની માંગ છે કે, નાણાં ભર્યા બાદ ત્રણ દિવસની અંદર જ જથ્થો દુકાન સુધી પહોંચાડવાનો નિયમ કડકપણે અમલમાં મૂકવો જોઈએ.
વ્યાજબી ભાવના દુકાનદારોના આ આંદોલનના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના કાર્ડધારકોની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જતાં સરકાર પર દબાણ વધ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર આ સંચાલકોની માંગણીઓ પૂરી કરે છે કે કેમ.

