જામનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ડિજિટલ એરેસ્ટ અંગેના 4 કિસ્સા નોંધાયા

image : Social media
Jamnagar Digital Arrest : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન ડિજિટલ એરેસ્ટના ચાર કિસ્સા બન્યા છે, અને તે અંગે જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે. જોકે બે ગુનામાં કોઈ આરોપી હજુ સુધી પકડાયા નથી, પરંતુ ચાલુ વર્ષ દરમિયાન નોંધાયેલા બે ગુના પૈકીના એક ગુનામાં 4 આરોપી ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે બીજા ગુનામાં 1 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા યોજાઇ રહેલા જુદા જુદા અવેરનેશ પ્રોગ્રામ અંતર્ગત જામનગરના બે વયોવૃદ્ધ ડિજિટલ એરેસ્ટનો શિકાર બને તે પહેલા બંનેને બચાવી લેવાયા હતા.
જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં 2024ની સાલમાં ડિજિટલ એરેસ્ટ અંગેના બે કિસ્સા નોંધાયા હતા, જેમાં જામનગરના એક વ્યક્તિ પાસેથી દોઢ કરોડ ખંખેરી લેવાયા હતા, જ્યારે બીજા ગુનામાં સાડા ત્રણ કરોડ રૂપિયા ઓનલાઇન ટ્રાન્જેક્શન મારફતે ચીટર ટોળકી દ્વારા ખંખેરી લેવામાં આવ્યા હોવાની બે પોલીસ ફરિયાદ સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવાઈ હતી, જોકે તે બંને કેસ સંદર્ભમાં કોઈ આરોપીઓની અટકાયત થઈ નથી, અને તપાસ ચાલુ છે.
આ ઉપરાંત 2025ની સાલમાં પણ અલગ અલગ બે કેસ નોંધાયા હતા, જેમાં એક વેપારીને ડિજિટલ એરેસ્ટ કરાયો હતો, અને તેની પાસેથી 1 કરોડ 30 લાખ જેવી માતબર રકમ ખંખેરી લેવામાં આવી હતી, પરંતુ સાયબર ક્રાઇમ સેલની ટીમે આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ કરીને કુલ ચાર આરોપીઓને ઝડપી લીધા છે, જેની તપાસ ચાલી રહી છે.
આ ઉપરાંત ડિજિટલ એરેસ્ટનો વધુ ગુન્હો સાયબર ક્રાઈમ પોલીસ માથકમાં નોંધાયો હતો, અને તેમાં પણ એક યુવાનને એરેસ્ટ કરીને તેની પાસેથી 2 કરોડ 69 લાખની રકમ પડાવી લેવામાં આવી હતી, જે પ્રકરણમાં તાજેતરમાં પોલીસની ટીમ દ્વારા એક આરોપીને ઝડપી લેવાયો છે, અને આ પ્રકરણમાં પણ જુદા જુદા ચાર રાજ્યોમાં તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગર સાયબર ક્રાઇમ સેલ વિભાગની ટુકડી દ્વારા લોકજાગૃતિ સંદર્ભમાં અનેક કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, અને પબ્લિક અવેરનેશને સંદર્ભે સમયાંતરે કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યા છે, જેને લઈને જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા એક વયોવૃદ્ધ તેમજ શરૂ સેક્શન રોડ પર રહેતા એક બુઝુર્ગ કે જેઓને સાયબર ચાંચીયાઓએ ડિજિટલ એરેસ્ટ કરી લેવા માટેના પ્રયાસો કર્યા હતા, પરંતુ બંનેનો બચાવ થયો હતો, અને તેઓ ચીટર ટોળકીનો શિકાર બનતાં બચાવ્યા હતા, અને તેઓએ કોઈ રકમ ગુમાવી નથી.

