Get The App

રથયાત્રા માટે સુરતમાં તૈયાર થયો સોથી મોટો રથ: સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક રથ, ગુજરાતમાં પ્રથમ મોટો રથ

Updated: Jun 14th, 2023

GS TEAM

Google News
Google News
રથયાત્રા માટે સુરતમાં તૈયાર થયો સોથી મોટો રથ: સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક રથ, ગુજરાતમાં પ્રથમ મોટો રથ 1 - image

સુરત, તા. 14 જૂન 2023, બુધવાર

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભાવિ ભક્તોને દર્શન આપવા માટે સોથી મોટા રથ પર સવાર થઈ નગર ચર્ચાએ  નીકળશે. સુરત વરાછા ખાતે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા ગુજરાતનો સૌથી મોટો રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે રીતે રોડ પર ઈલેક્ટ્રીક વાહન જોવા મળે છે. તે જ ટેકનિક થી આ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે . ટ્રકના નીચેના ભાગને વાપરી તેની ઉપર રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક છે.

સુરતના વરાછા વિસ્તાર ખાતે આવેલા ઇસ્કોન મંદિર ની અંદર હાલ ગુજરાતનો સૌથી મોટો રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રથયાત્રાના દિવસે પ્રથમવાર અત્યાધુનિક ટેકનિક અને સમય પ્રમાણે જે રીતે રથમાં બદલાવ આવવો જોઈએ તે જોવા મળશે. સામાન્ય રીતે રથયાત્રા માટે ખાસ લાકડાથી રથ તૈયાર કરવામાં આવતો હોય છે અને કારીગરો મહિના સુધી આ રથને તૈયાર કરે છે. પરંતુ સુરત વરાછા ખાતે ઇસ્કોન મંદિરમાં ખાસ ટ્રકની નીચેનો ભાગ લઈને તેની ઉપર ભગવાન જગન્નાથજી માટે રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક રથ છે. તેને ચલાવવા માટે ડ્રાઇવરની સીટ પણ જોવા મળશે અને સહેલાઈથી ભરચક વિસ્તારમાં બ્રેક લાગી શકે આ માટેની વ્યવસ્થા પણ આ રથમાં જોવા મળશે.

રથયાત્રા માટે સુરતમાં તૈયાર થયો સોથી મોટો રથ: સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક રથ, ગુજરાતમાં પ્રથમ મોટો રથ 2 - image

આ રથ છેલ્લા આઠ મહિનાથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રથ અગાઉ વડોદરા ખાતે તૈયાર કરવામાં આવી રહ્યો હતો. પરંતુ તેનું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયા બાદ તેને સુરત લાવવામાં આવ્યો છે અને હાલ તેના રંગરોગાનનું કામ ચાલુ છે. આખા ગુજરાતમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર ધરાવતો આ રથ છે. કારણ કે આ ઈલેક્ટ્રીક વાહનની જેમ રોડ પર થી પસાર થશે. તેમાં લાકડાની સાથે સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમાન્ય રથની જેમ જ આ રથમાં પૈડાં જોવા પણ મળશે.

ઊંચાઈ 33 ફૂટ, લંબાઈ 27 ફૂટ, પહોળાઈ 17 ફૂટ

વરાછા ઇસ્કોન મંદિરમાં સેવા આપનાર હરી મોરારીદાસ એ કહ્યું કે , અષાઢી બીજના દિવસે રથયાત્રા કાઢવામાં આવશે. ગુજરાત ભરમાં આ રથ આકર્ષણનું કેન્દ્ર છે. કારણકે આ રથ ગુજરાતનો સૌથી મોટ રથ છે. જેની ઊંચાઈ 33 ફૂટ છે. લંબાઈ 27 ફૂટ પહોળાઈ 17 ફૂટ છે. હાલ જે આ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે તે ખૂબ જ આધુનિક અને સમય પ્રમાણે છે. મોટા ટ્રકના નીચેના ભાગ જે હાઇડ્રોલિક પાર્ટ હોય છે તેને લઈ તેની ઉપર આખી સિસ્ટમ અપલોડ કરવામાં આવી છે. રથ ને ચલાવવા માટે એક ડ્રાઇવિંગ સ્ટેન્ડ પણ છે. રથને ભક્તો ચલાવશે. આ માટે તમામ પ્રકારની સુવિધા રથમાં જોવા મળશે. જે રીતે ઈલેક્ટ્રીક ગાડીમાં જે સિસ્ટમ હોય છે, તે જ રીતે આ સિસ્ટમ અમે રથમાં તૈયાર કરી છે. રથયાત્રા કુલ 11 કિલોમીટરની હશે. જે સુરત વરાછા મીનીબજારથી પ્રારંભ થશે અને સરથાણા જકાતનાકા સુધી જશે.