Get The App

કુદરતની કમાલ: ધારીના દિતલા ગામે પાંચ પાનના બીલી પત્રનાં 3 દુર્લભ વૃક્ષો

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
કુદરતની કમાલ: ધારીના દિતલા ગામે પાંચ પાનના બીલી પત્રનાં 3 દુર્લભ વૃક્ષો 1 - image


Five Leaf Belpatra Trees: શ્રાવણ માસમાં ભગવાન શંકરને બીલીપત્ર ચડાવવાનું વિશેષ મહત્ત્વ છે. બીલીપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય છે. શિવપુરાણમાં ઉલ્લેખ છે કે, 'બીલીપત્ર શિવનું સ્વરૂપ છે અને તેની પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે.' સામાન્ય રીતે બીલીપત્રમાં ત્રણ પાન હોય છે, જ્યારે પાંચ, સાત, નવ અને 11 પાનનાં બીલીપત્ર દુર્લભ માનવામાં આવે છે. ધારીના દિતલા ગામે આવેલી વાડીમાં દુર્લભ એવા પાંચ પાનનાં બીલીપત્રનાં 3 વૃક્ષો છે. હાલ શ્રાવણ માસમાં આ બીલીપત્ર લેવા ભાવિકોને ભારે ધસારો જોવા મળે છે. બીલીપત્ર મેળવવા ભાવિકોનું વેઈટિંગ ચાલે છે.

પાંચ પાનનાં બીલીપત્ર શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક અર્પણ કરાઈ છે

દિતલા ગામે રહેતા ઉકાભાઈ ભટ્ટી નામના ખેડૂતની વાડીમાં દુર્લભ પ્રકારના બીલીપત્રનાં એક મોટું વૃક્ષ અને બે નાના એમ કુલ 3 વૃક્ષો છે. આ ત્રણ વૃક્ષો પર પાંચ અને સાત પાનના બીલીપત્ર આવે છે. ઉકાભાઈ ભટ્ટીએ જણાવ્યું કે, 'બીલીપત્રનાં વૃક્ષ પર પહેલાં 3 પાનના જ બીલીપત્ર આવતા, પરંતુ બાદમાં બેથી ત્રણ વર્ષ બાદ ચાર પાનનું બીલીપત્ર જોવા મળ્યું અને 7થી 8 વર્ષમાં આ બીલીનાં વૃક્ષમાં પાંચ પાનના બીલીપત્ર આવવા લાગ્યા. આ ત્રણેય વૃક્ષમાં કુદરતી રીતે 90 ટકા પાંચ પાનના બીલીપત્ર જોવા મળે છે, જ્યારે 6થી 7 ટકા બીલીપત્ર 7 પાનના છે. આ ઉપરાંત ક્યારેક વૃક્ષ પર 9 પાનનું અને 11 પાનનું દુર્લભ બીલીપત્ર પણ ખીલે છે.'

આ પણ વાંચો: હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 ભક્તોના મોત, વીજકરંટને લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા

ઉકાભાઈ ભટ્ટી દર રવિવારે બીલીના વૃક્ષ પરથી બીલીપત્ર ઉતારી 11-11 બીલીપત્રની જૂડી કરી સોમવારે શિવ મંદિરોમાં જાતે મોકલે છે. તથા જે ભાવિકો મંગાવે તેને ફ્રીમાં મોકલી આપે છે. જ્યારે હાલ શ્રાવણ માસમાં આ દુર્લભ બીલીપત્ર મેળવવા ભાવિકોનો ભારે ધસારો દિતલા ગામે જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસમાં રોજ પાંચ પાનના 500થી 600 બીલીપત્ર ઉતારે છે. આ બીલીપત્ર મેળવવા ભક્તોનું વેઈટિંગ લિસ્ટ ચાલે છે. તેમની વાડીએ આવી ભાવિકો આ દુર્લભ બીલીપત્ર નિઃશુલ્ક રીતે લઇ જાય છે. ફોન કરી અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત રહેતા ભાવિકો પણ આ બીલીપત્ર મંગાવે છે.

પાંચ પાનનું બીલીપત્ર ભગવાન શિવના પાંચ મુખનું પ્રતીક

માન્યતા અનુસાર 3 પાનનું બીલીપત્ર ભગવાન શિવનાં ત્રિશુલનું પ્રતીક મનાય છે, તો ઘણાં લોકો શિવજીના ત્રિનેત્ર સાથે સરખાવે છે. લોકોની માન્યતા પ્રમાણે બીલીપત્ર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે, જ્યારે પાંચ પાનનું બીલીપત્ર ભગવાન શિવના પાંચ મુખનું પ્રતીક માનવામાં આવે છે, જે શિવના પાંચ રૂપો સદ્યાજાત, વામદેવ, અઘોર, તત્પુરુષ અને ઈશાનનું તેમજ પંચતત્વ-પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશનું પ્રતિનિધિત્વ કરે છે. આમ પાંચ પાનનું બીલીપત્ર શિવ ભક્તિ આધ્યાત્મિક શુદ્ધતા અને બ્રહ્માંડની શક્તિઓ સાથે જોડાણનું પ્રતીક છે, જ્યારે 7 પાનનું બીલીપત્ર શિવના સાત ગુણો અથવા સપ્ત ૠષિઓનું પ્રતિનિધિત્વ કરે છે.       

ભગવાન શિવને પ્રિય બીલીપત્રની ઉત્પત્તિની માન્યતા  

સ્કંદ પુરાણ અનુસાર દેવી પાર્વતીના પરસેવાનું ટીપું મંદરાચલ પર્વત પર પડ્યું અને એમાંથી બીલીપત્રનાં વૃક્ષનું નિર્માણ થયું. માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયેલા બીલીપત્રનાં વૃક્ષ, પાન, મૂળ, થડ, ડાળી બધામાં મા પાર્વતીનો અલગ-અલગ સ્વરૂપે વાસ છે. આમ બીલીપત્રમાં માતા પાર્વતીનું પ્રતિબિંબ તથા સ્વરૂપ હોવાના કારણે બીલીપત્ર શિવજીને અત્યંત પ્રિય છે તેથી શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થતાં હોવાની માન્યતા છે.

ભગવાન શિવને શા માટે બીલીપત્ર અર્પણ કરાય છે

શિવપુરાણ અનુસાર, સમુદ્ર મંથનમાંથી નીકળતા વિષને કારણે વિશ્વ સંકટમાં હતું. ત્યારે ભગવાન શિવે બ્રહ્માંડની રક્ષા માટે વિષને ગ્રહણ કર્યું. આ કારણે ભગવાન શિવનાં શરીરનું તાપમાન વધવા લાગ્યું અને સમગ્ર બ્રહ્માંડ આગની જેમ ગરમ થવા લાગ્યું, જેના કારણે પૃથ્વીના તમામ જીવોનું જીવન મુશ્કેલ બની ગયું. સૃષ્ટિના હિતમાં વિષની અસર દૂર કરવા માટે દેવતાઓએ શિવજીને બીલીનાં પાન ખવડાવ્યા હતા. બીલીનાં પાન ખાવાથી વિષની અસર ઓછી થઈ, ત્યારથી ભગવાન શિવને બીલીનાં પાન ચઢાવવાની પ્રથા બની ગઈ. 

Tags :