હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 ભક્તોના મોત, વીજકરંટને લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા
Haridwar Stampede news : ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા જાણીતા મનસા દેવી મંદિરમાં રવિવારે ભારે ભીડ વચ્ચે નાસભાગની ઘટના બનતા અફરાતફરી સર્જાઈ ગઇ. આ દુર્ઘટનામાં 6 શ્રદ્ધાળુઓના મોતના અહેવાલ સામે આવ્યા છે. જોકે ઘાયલોની સંખ્યા પણ મોટી હોવાની જાણકારી મળી રહી છે.
તંત્રનું કહેવું છે?
તંત્રનું આ મામલે કહેવું છે કે મંદિરમાં ભારે ભીડ એકઠી થઇ હતી જેના કારણે નાસભાગની સ્થિતિ સર્જાઈ. ઘટનાની જાણકારી મળતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કાર્યવાહી શરૂ કરી હતી.
ગઢવાલના ડિવિઝનલ કમિશનરે આપ્યું નિવેદન
ગઢવાલ ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભારે ભીડ એકઠી થયા બાદ નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. આ નાસભાગમાં 6 લોકોના મોત થયા છે. હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું.
શું હતું નાસભાગનું કારણ?
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના મંદિરના પગથિયાવાળા રસ્તે બની હતી. એવી શંકા છે કે પગથિયામાં વીજળીનો કરંટ આવતો હતો, જેના લીધે શ્રદ્ધાળુઓમાં ગભરાટને કારણે નાસભાગ મચી ગઈ હતી. ગઢવાલના ડીસી વિનય કુમારે જણાવ્યું હતું કે અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. માહિતી અનુસાર અકસ્માતમાં લગભગ 15 લોકો ઘાયલ થયા છે અને 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે X પર લખ્યું કે 'હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગની ઘટના અંગેના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. ઉત્તરાખંડની એસડીઆરએફ, સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. હું આ સંદર્ભે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હું માતા રાણીને બધા ભક્તોની સલામતી માટે પ્રાર્થના કરું છું.