Get The App

આલ્બિનો તરીકે ઓળખાતા પીળા રંગના કાચબાનું રેસ્ક્યૂ, ગુજરાતમાં પહેલો અને ભારતમાં સાતમો

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
Albino Yellow Turtle Rescue


Albino Yellow Turtle Rescue: કાચબાનો રંગ સામાન્ય રીતે ભૂખરો, લીલાશ પડતો કે પછી ભૂરો હોય છે પરંતુ વડોદરાના તરસાલી- ધનિયાવી રોડ પરથી આજે પીળા રંગનો અને ભાગ્યે જ જોવા મળતો આલ્બિનો કાચબો જોવા મળ્યો હતો. આ કાચબાને રેસ્ક્યૂ કરીને વન વિભાગને સુપરત કરવામાં આવ્યો છે.

શહેરની સંસ્થા ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના એક્ટિવિસ્ટ રમેશ યાઈશે કહ્યું હતું કે, આજે બપોરના સમયે અમને કાચબાની જાણકારી આપતો કોલ આવ્યો હતો. સ્થળ પર જઈને જોયું તો પીળા રંગનો અને ઈન્ડિયન ફ્‌લેપશેલ ટર્ટલ પ્રજાતિનો લગભગ 10 ઈંચ લાંબો કાચબો જોવા મળ્યો હતો.જેની અંદાજીત વય એક વર્ષ હોઈ શકે છે. 

આલ્બિનો તરીકે ઓળખાતા પીળા રંગના કાચબાનું રેસ્ક્યુ

સામાન્ય રીતે કાચબા ભૂખરા અને ઘેરા રંગના હોય છે પરંતુ લાખોમાં એક કેસમાં આનુવંશિક ખામી(જિનેટિક ડિફેકટ)ના કારણે કાચબામાં રંગદ્રવ્યો(મેલેનિન)નું ઉત્પાદન થતું નથી. કાચબા સીવાય અન્ય પ્રાણીઓમાં પણ આવા કેસ જોવા મળે છે. રંગદ્રવ્યોના અભાવે તેમની ત્વચા, વાળ, ભિંગડા સફેદ અથવા હળવા રંગના હોય છે. તેમની આંખો ગુલાબી કે લાલ રંગની હોય છે. કારણ કે રંગદ્રવ્યના અભાવે આંખોમાં રહેલી રક્તવાહિનીઓ સ્પષ્ટ દેખાય છે. 

આલ્બિનો તરીકે ઓળખાતા પીળા રંગના કાચબાનું રેસ્ક્યૂ, ગુજરાતમાં પહેલો અને ભારતમાં સાતમો 2 - image

ગુજરાતમાં પહેલો અને ભારતમાં જોવા મળેલો સાતમો પીળા રંગનો કાચબો 

આલ્બિનો પ્રાણીઓમાં પ્રકાશ પ્રત્યેની સંવેદનશીલતા પણ વઘુ હોય છે. રમેશ યાઈશના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કદાચ પીળા રંગનો કાચબો મળ્યો હોય તેવો પહેલો અને સમગ્ર ભારતમાં સાતમો કિસ્સો છે. અગાઉ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં પીળા રંગના કાચબા મળ્યા છે. આ કાચબો શિડ્યુલ વન કેટેગરીમાં આવતો હોવાથી તેને વન વિભાગને સુપરત કર્યો છે.

કાચબાને સંરક્ષણમાં રાખી સારવાર શરુ કરાઈ છેઃ વન વિભાગ 

વનવિભાગના રેન્જ ઓફિસર કરણસિંહ રાજપૂતે કહ્યું હતું કે, અમને તળાવ પાસે અજોડ રંગનો કાચબો દેખાયો હોવાનો કોલ આવ્યો હતો. અમારી ટીમે તેને રેસ્ક્યૂ કરીને વન વિભાગના શેલ્ટરમાં રાખ્યો છે. ગુજરાતમાં આ પ્રકારનો કાચબો કદાચ પહેલી વખત દેખાયો છે. આ કાચબાનું સંરક્ષણ અને સારવાર શરુ કરવામાં આવી છે.

ઈન્ડિયન ફ્‌લેપશેલ ટર્ટલ ક્યાં જોવા મળે છે?

ઇન્ડિયન ફ્‌લેપશેલ ટર્ટલ મુખ્યત્વે દક્ષિણ એશિયાના દેશો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારમાં જોવા મળે છે. તે ખાસ કરીને નદીઓ, ઝરણા, તળાવો, નહેરો અને ખાબોચિયા જેવા તાજા પાણીના સ્થળોએ રહે છે. આ કાચબાને રેતીવાળા, કાદવવાળા કે તળિયાવાળા પાણીના સ્થળો વધુ પસંદ હોય છે. કારણ કે તેમને જમીનમાં ભરાઈ રહેવાની ટેવ હોય છે. આ પ્રજાતિ ગુજરાત સહિત ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળે છે.

આલ્બિનો પ્રાણીઓ માટે અસ્તિત્વ ટકાવવું પડકારજનક હોય છે

આલ્બિનો પ્રાણીઓ પ્રકૃતિમાં ખૂબ જ દુર્લભ હોય છે. તેઓ ચિંતાનો વિષય એટલા કહેવાય છે કારણ કે તેમની અસામાન્ય શારીરિક લાક્ષણિકતાઓ તેમને કુદરતી વાતાવરણમાં ટકી રહેવા માટે ઘણા પડકારો ઊભા કરે છે. આલ્બિનો કાચબા કે અન્ય પ્રાણીઓનો રંગ સફેદ હોવાથી તેઓ તેમના કુદરતી રહેઠાણ (જેમ કે જંગલ, પાણી)માં સરળતાથી ઘ્યાન ખેંચે છે. આના કારણે તેઓ શિકારીઓને સરળતાથી દેખાઈ જાય છે અને તેમનો શિકાર થવાની સંભાવના ઘણી વધી જાય છે.

આ પણ વાંચો: અમૂલ ડેરીની ચૂંટણી માટે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ અને ખેડા ભાજપના 6 નેતા બોગસ મતદાર બન્યાં

આલ્બિનો પ્રાણીઓનો કુદરતી જીવનકાળ સામાન્ય રીતે સામાન્ય રંગના સમકક્ષો કરતાં ઘણો ઓછો હોય છે. તેઓ પ્રજનન કરી શકે તે પહેલાં જ મૃત્યુ પામવાની શક્યતા વઘું હોય છે. તેમના શરીરમાં મેલેનિન (રંગદ્રવ્ય) ન હોવાથી, તેમની ત્વચા અને આંખો સૂર્યપ્રકાશ પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે. આના કારણે તેઓ ત્વચાના રોગો કે આંખની સમસ્યાઓનો ભોગ બની શકે છે.

વિશ્વામિત્રી નદી મગરોની સાથે ઈન્ડિયન ફ્‌લેપશેલ ટર્ટલ પ્રજાતિના કાચબાઓનું ઘર

એમ.એસ.યુનિવર્સિટીના ઝૂલોજી વિભાગના અઘ્યાપક ડો.ધવલ ભટ્ટે કહ્યું હતું કે, આ કાચબામાં રંગદ્રવ્યોની ઉણપ હોવાથી તેનો રંગ પીળો છે. વિશ્વામિત્રીમાં મુખ્યત્વે ઈન્ડિયન ફ્‌લેપશેલ ટર્ટલ પ્રજાતિના કાચબા જોવા મળે છે. શક્ય છે કે, આ કાચબો તણાઈને અન્ય જગ્યાએ પહોંચ્યો હોય.જોકે વિશ્વામિત્રીમાં આ પ્રકારના કેટલા કાચબા છે તેની ગણતરી હજી સુધી થઈ નથી. મગરોની વસતીના કારણે કાચબાની ગણતરી કરવાની પરવાનગી મળવામાં મુશ્કેલી પડે છે. જેના કારણે   વિશ્વામિત્રીમાં કેટલા કાચબા છે તેનો ચોક્કસ અંદાજ લગાવવા મુશ્કેલ છે. 

આલ્બિનો તરીકે ઓળખાતા પીળા રંગના કાચબાનું રેસ્ક્યૂ, ગુજરાતમાં પહેલો અને ભારતમાં સાતમો 3 - image

Tags :