અમૂલ ડેરીની ચૂંટણી માટે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ અને ખેડા ભાજપના 6 નેતા બોગસ મતદાર બન્યાં
Anand Amul Dairy News: આણંદ અમૂલ ડેરીની પ્રાથમિક મતદાર યાદી જાહેર થયા બાદ દિવસે ને દિવસે વિવાદ વકરી રહ્યો છે. જે વચ્ચે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ અને ખેડા જિલ્લામાં કેડીસીસી બેંકના વાઈસ ચેરમેનના પત્ની, ખેડા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને તેમના પત્ની, કપડવંજ માર્કેટયાર્ડના ચેરમેન સહિત ભાજપના 6 નેતાઓ બોગસ મતદાર બન્યાની વાંધા અરજીઓ થઈ છે. એટલું નહીં, 41 મંડળીઓના ચેરમેનના મતો રદ કરતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
કેડીસીસી બેંકના વાઈસ ચેરમેનના પત્ની, અમૂલના ડિરેક્ટરના પત્ની, ખેડા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને તેમના પત્ની, કપડવંજ એપીએમસીના ચેરમેન વિરૂદ્ધ વાંધા અરજી
આણંદ અમૂલ ડેરીની ચૂંટણીનું હજૂ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. ત્યારે ભાજપ દ્વારા અમૂલમાં સત્તા હસ્તગત કરવા કોંગ્રેસ સમત્ત્થત 41 જેટલી મંડળીઓની વર્ષો જૂની ફરિયાદોને સાાના જોરે કાયદાકીય આંટી- ધૂંટીમાં 41 મતો રદ કર્યા હતા. જેની સામે કોંગ્રેસના અગ્રણીઓએ અમૂલના અધિકારી સમક્ષ વાંધા અરજીઓ કરવા સાથે હાઇકોર્ટમાં અરજી કરી છે.
સહકારી ક્ષેત્રની મંડળીના નિયમોમાં પેટા કાયદા 1 મુજબ મંડળીનું કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવેલું છે. પેટા કાયદા-4 મુજબ સભાસદની વ્યાખ્યા પણ આપવામાં આવેલી છે. જે પ્રમાણે જે ગામની મંડળી હોય તે ગામનો વ્યક્તિ જ સભાસદ બની શકે. ગામના કાર્યક્ષેત્રના બહારનો કોઈપણ વ્યક્તિ દૂધ મંડળીનો સભાસદ બની શકે નહીં. છતાં ભાજપ દ્વારા અમૂલની ચૂંટણી જીતવા માટે સાત જેટલા રાજકીય અગ્રણીઓને પોતાના ગામથી દૂર મંડળીઓમાંથી સભ્યપદ મેળવીને મતદાર યાદીમાં નામ દાખલ કરાતા તેમના વિરૂદ્ધ વાંધા અરજીઓ કરાઈ છે.
આણંદ જિલ્લાના ભાજપના પ્રમુખ સંજય પટેલ રાલજ ગામના રહેવાસી હોવા છતાં ખંભાત દૂધ ઉત્પાદક મંડળીથી પોતાનો મત 20૩ ક્રમાંકેથી નોંધાવ્યો હોવાનું મતદાર યાદીમાંથી જાહેર થયું છે.
જ્યારે ખેડા જિલ્લામાં કેડીસીસીના વાઈસ ચેરમેનના પત્ની પ્રકાશબેન રાજેન્દ્રસિંહ પરમાર ગોલાણાના હોવા છતા કંસારી દૂધ મંડળીથી 210 મત ક્રમાંકે, ખેડા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જયરામભાઈ રબારી કનીજ ગામના હોવા છતા જીજર દૂધ મંડળીથી 864 મત ક્રમાંકે, કપડવંજ એપીએમસીના ચેરમેન ઘુ્રવભાઈ પટેલ કપડવંજના હોવા છતાં અંતિસર દૂધ મંડળીથી 468 મત ક્રમાંકે, અમૂલના ડિરેક્ટર રાજેશભાઈ પાઠકના પત્ની અનિતાબેન રાજેશભાઈ પાઠક બાલાસિનોરના હોવા છતા હાંડિયા મંડળીથી 588 મતક્રમાંક સહિત 6 મતદારો વિરૂદ્ધ વાંધા અરજી કરાઈ છે.
આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ અને કેડીસીસીના વાઈસ ચેરમેનના પત્નીના બોગસ મત સામે ખંભાત તાલુકાના વાસણાના બાબુભાઈ વકીલે વાંધા અરજી આપી છે. જ્યારે ખેડાના મહેમદાવાદ તાલુકાઓના મતો સંદર્ભે મહેમદાવાદના વિઠ્ઠલભાઈ પરમાર, બાલાસિનોરના બોગસ મત સંદર્ભે બી.એમ. ચૌહાણ અને કપડવંજના મત સંદર્ભે ફુલજીના મુવાડાના સોલંકીએ અરજી અમુલની ચૂંટણીના મુખ્ય અધિકારીને આપી હતી. જેની તા. 8મી ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરાશે.
વાંધા અરજી સંબંધે કંઈ ખબર નથી, જાણતો પણ નથી : આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ
આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું કે, મને વાંધા અરજી સંબંધે કંઈ જ ખબર નથી, હું કશું જાણતો પણ નથી તેમ કહીને તેમણે ફોન કટ કરી દીધો હતો.
12 બ્લોકમાંથી આંકલાવ- બોરસદ બ્લોક ભાજપ માટે જોખમી
2020ની અમૂલની ચૂંટણીમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારને 90 મત મળતા વિજય થયો હતો. હાલ આ બ્લોકમાં અંદાજિત 115 જેટલા મતદારો છે. જેમાં બાર જેટલા મત પાટીદાર સમાજના છે અને અન્ય ક્ષત્રિય સમાજના છે. જેથી નવી ચૂંટણીમાં પણ ભાજપને રાજેન્દ્રસિંહ પરમારની ટક્કર જીલી શકે તેવો હાલ કોઈ ક્ષત્રિય ઉમેદવાર મળી શક્યો નથી. જેથી આ બ્લોક ભાજપ માટે જીતવો મુશ્કેલી બને તેવું ચર્ચાઈ રહ્યું છે.