એરપોર્ટને બદલે સૌરાષ્ટ્રીયન વિસ્તારમાંથી રેલીનું આયોજનઃ
સુરતમાંથી કોરોના ગાયબ થયો હોય તેવો રાજકીય માહોલ
સુરત, તા. 23 જુલાઈ, 2020, ગુરૃવાર
ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ભવ્યા સ્વાગત માટે રેલીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. હવે એરપોર્ટને બદલે વાલક પાટીયાથી ભાજપ કાર્યાલય સુધી રેલીનું આયોજન થયું છે. જોકે, શુક્રવારની રેલી માટે ગુરુવારે બપોર સુધી તંત્ર તરફથી પરવાનગી મળી નહોતી.
ત્રણ દાયકા બાદ સુરત દક્ષિણ ગુજરાતને ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ મળતા ભાજપના તમામ કાર્યકરોમાં ઉત્સાહ છે. અને તા.૨૪ જુલાઇએ પ્રદેશ પ્રમુખને આવકારવા એરપોર્ટથી રેલીનું આયોજન કરાયું હતું. તેમાં જોકે ફેરફાર થયો છે. હવે રેલી વાલક પાટીયાથી કામરેજ, સરથાણા જકાતનાકા સીમાડા નાકા, મીની બજાર, કતારગામ દરવાજા, મુગલીસરાઈ, ચોક મજુરાગેટ અને ઉધના દરવાજાથી ભાજપ કાર્યાલય સુધી યોજાશે. નવા રૃટમાં આ વિસ્તારોનો ઉલ્લેખ કરાયો છે. તે માટે તંત્ર પાસે પરવાનગી મગાઇ છે.
સોશિયલ મીડિયા પર ભાજપના કેટલાક નેતાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ માટે અપીલ કરાતા લોકો ટીકાનો વરસાદ કરી રહ્યા છે. કારણ કે, ભગવાન જગન્નાથની યાત્રાને પરવાનગી અપાઇ નહોતી. અને સુરતમાં રેલીની તૈયારી થઇ ગઇ છે. સોશિયલ મીડિયામાં ભાજપ પ્રદેશ પ્રમુખને આવકારવા શહેર ભાજપે કરેલા રેલીના આયોજનની ટીકા અને તરફેણ બંને થઇ રહ્યા છે. જે સામાન્ય લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.