રક્ષાબંધન-બળેવના પવિત્ર પર્વનો ઈતિહાસ 5100 થી વધુ વર્ષ જૂનો, સુતરના એક ધાગામાં સુરક્ષા-સ્વાસ્થ્ય પ્રદાન કરતી દિવ્ય ભાવના
સુતરના એક ધાગામાં સુરક્ષા-સ્વાસ્થ્ય પ્રદાન કરતી દિવ્ય ભાવના
ઈન્દ્રને તેમની પત્ની શચિએ, કુંતા માતાએ પૌત્ર અભિમન્યુને, બલિ રાજાને લક્ષ્મીજીએ, દ્રોપદીએ ભગવાન શ્રીકૃષ્ણને રાખડી બાંધી હતી
ભુદેવો આજે જનોઈ બદલશે, દરિયા દેવની શ્રીફળથી પૂજા
Rakshabandhan News : આજે સમગ્ર વિશ્વના સર્વોત્તમ સ્નેહબંધનનું પર્વ રક્ષાબંધન ઉજવાશે. આ દિવસને બળેવ તરીકે પણ ઉજવાય છે અને ભારતીય સંસ્કૃતિમાં આ પર્વનો ઈતિહાસ 5100 વર્ષ પહેલાથી હજારો વર્ષ જુનો છે અને પુરાણો સહિત અનેક ગ્રંથોમાં તેનો ઉલ્લેખ મળે છે.
ભવિષ્ય પુરાણ મૂજબ હજારો વર્ષો પૂર્વે દેવો અને દાનવો વચ્ચે યુધ્ધ થતા હતા ત્યારે પરાજિત થઈને દુ:ખી થયેલા દાનવો તેમના ગુરૂ શુક્રાચાર્ય પાસે ગયા, ગુરૂએ તેમને એવી સલાહ આપી કે દેવરાજ ઈન્દ્રને તેમના પત્ની શચિએ રક્ષાસૂત્ર બાંધીને તેમને અજેય કરી દીધા છે તેથી તેમની સાથે સંધિ કરી લેવા સલાહ આપી.
આશરે 5100 વર્ષ પહેલા મહાભારત કાળ (ત્રેતાયુગ)માં રક્ષાબંધનના અનેક પ્રસંગો છે. યુધષ્ઠિરની જીજ્ઞાાસા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ રક્ષાબંધનની વિધિ સમજાવે છે જેમાં સુતર (કપાસ) અથવા રેશમી વસ્ત્રમાં અક્ષત,દુર્વા,ચંદન વગેરે રાખીને રક્ષાપોટલી બનાવવા કહ્યું છે. ત્યારે પુરોહિતો રાજાને રક્ષાસૂત્ર બાંધતા. આ ઉપરાંત સુદર્શન ચક્રથી શીશુપાલના વધ વખતે શ્રીકૃષ્ણની આંગળીમાં ઈજા થતા દ્રૌપદીએ તત્ક્ષણ ચૂંદડી ફાડીને બાંધી આપી અને ભગવાને ચીર પૂરીને દ્રોપદીની રક્ષા કરી હતી. તો માતા કુંતીએ અભિમન્યુને યુધ્ધમાં જતા પહેલા અમર રાખડી બાંધી હતી.
પરંતુ, ચક્રવ્યુહ વખતે કાંડા પર તે રક્ષા ન્હોતી તેની કથા પણ પ્રચલિત છે. આ પહેલા વિષ્ણુનો વામન અવતાર થયો હતો. એ સમયમાં દૈત્યોના રાજા બલિને માતા લક્ષ્મીજીએ રાખડી બાંધી હતી.એ વખતથી બલિ એવ ઉપરથી બળેવ પર્વ પ્રચિલત થયાનું મનાય છે. તો પ્રથમ પૂજ્ય દેવ ગજાનન ગણપતિ ભગવાનને લાભ અને શુભ નામે બે સંતાનો હતા જેઓએ બહેનની કામના કરતા તેજથી સંતોષી માતા ઉત્પન્ન થયા તે કથા પણ પ્રચલિત છે જેનો સૂર એ છે કે નિસ્વાર્થભાવે,પૂરા હૃદયથી રક્ષાબંધન સાથે સુરક્ષા-સ્વાસ્થ્યની પ્રાર્થનામાં અદ્ભૂત શક્તિ રહેલી છે. આવતીકાલે બહેનો ભાઈને રાખડી બાંધશે,ઉપરાંત માતા પુત્રને, પુત્રી પિતાને, નણંદ ભોજાઈને રાખડી બાંધે છે તેમજ ભુદેવો આ દિવસે જનોઈ બદલશે. આજે નારિયેળી પૂર્ણિમા નિમિત્તે સાગરખેડુઓ દ્વારા દરિયાદેવને શ્રીફળ પધરાવીને પૂજન કર્યું હતું.