રાજુલામાં પાઇપલાઇનનો વિરોધ વકર્યો: 13 ગામના ખેડૂતોની અટકાયત કરાતા અન્નજળનો કર્યો ત્યાગ
Farmer Protest in Amreli: રાજુલા શહેરમાં પીવાના પાણી માટે નગરપાલિકા દ્વારા પાઇપ લાઈન નાખવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ધાતરવડી ડેમ 1માં જૂની પાઇપ લાઇન જર્જરિત થતાં નગરપાલિકાની દ્વારા નવી પાઇપ લાઇન નાખવામાં આવતા ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો છે. ધાતરવડી ડેમ પાસે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. ખેડૂતોએ જેસીબી પર ચઢીને કામ બંધ કરાવવાનો પ્રયત્ન કરતાં પોલીસ દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજુલાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી ડેમ 1 આવેલો છે. તેમાં રાજુલા નગરપાલિકાની જૂની લાઇન નાંખેલી છે. તે જર્જરિત થતાં રાજુલા શહેરમાં પીવાના પાણી માટે નવી પાઇપ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેનો ખેડૂતોનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ નવી પાઇપ લાઇનની કામગીરી અટકાવવા માટે જેસીબી પર ચઢી ગયા હતા. ખેડૂતોએ રોડ ઉપર રામધૂન બોલાવી 'જય જવાન જય કિસાન' ના નારા લગાવ્યા હતા. તો બીજી તરફ સ્થાનિક ખેડૂતોએ દંડવત કરતા કરતા કામ અટકાવવા માટે પહોંચી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ તંત્રનો કાફલો ખડે પગે ઉભો છે.
આ પણ વાંચો: અમરેલીના સાવરકુંડલા સહિત અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદે તારાજી સર્જી, ખેડૂતોને નુકસાન
પોલીસે વિરોધ કરી રહેલા 13 ગામના ખેડૂતોની અટકાયત કરી સાવરકુંડલા પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી. કામગીરી બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી તમામ ખેડૂતો સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં કર્યો અન્ન જળનો ત્યાગ છે.
ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે રાજુલાના નામે ખાનગી કંપની માટે પાણી લઈ જવાનું ષડયંત્ર છે. એટલું જ નહી ખેડૂતોએ માંગ કરી હતી કે જૂની લાઇન નાખેલી છે, એ જ સાઇઝની નવી લાઇન નાખવામાં આવે તો અમને વાંધો નથી. ધાતરડી ડેમ પર ફ્યુઝ ગેટ લગાવવા અને રાજુલા માટે લઈ જવામાં આવતા પાણી માટે મીટર લગાવવાની પણ ખેડૂતોએ માગ કરી હતી.