અમરેલીના સાવરકુંડલા સહિત અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદે તારાજી સર્જી, ખેડૂતોને નુકસાન
Rain in Amreli: હવામાન ખાતાની આગાહીને પગલે સાવરકુંડલા પંથકમાં સતત બીજે દિવસે પણ અનુરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. આજે વહેલી સવારથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. સાવરકુંડલા શહેરના રોડ રસ્તા પર પાણીની નદીઓ વહેતી હોય એવા દ્વશ્યો જોવા મળ્યા હતા. સાવરકુંડલાના સીમરન અને ગાધકડા ગામની શેરીઓના રસ્તાઓ પર નદીઓ વહેતી હતી. સાવરકુંડલા પંથકમાં ભારે પવન અને વરસાદના લીધે ગ્રામ્ય વિસ્તારોના કેટલાક ભાગમાં વીજળી ગૂલ થઈ ગઇ હતી. ગાધકડા, સાવરકુંડલા, બગસરા, જાફરાબાદ, ખાંભાના નેસડી, તાતણીયા દાઢીયાળી,નાનુડી,ઉમરીયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબકતાં તલ, બાજરી, ડુંગળી, સહીતના પાકને પારાવાર નુકસાન થયું હતું. કમોસમી વરસાદના પગલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. અનરાધાર વરસાદના પગલે લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટથી આંશિક રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
છેલ્લાં 24 કલાકમાં 31 તાલુકામાં ખાબક્યો વરસાદ
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર, છેલ્લાં 24 કલાકમાં કુલ 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સૌથી વધુ 2.44 ઈંચ વરસાદ વરસ્યો છે. આ વરસાદમાં માત્ર બે કલાકમાં જ ખાબક્યો છે. જોકે, જૂનાગઢ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. આ સિવાય મંગળવારે સાંજે અમરેલીના વડિયા સહિત સમગ્ર પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. વડીયાના ઠુંઢિયા પીપળીયા ગામની સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં પણ વહેલી સવારથી ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, બુધવારે (21 મે) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.