Rajkumar Jat Case: ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. આ કેસના મુખ્ય આરોપી ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સરકારી વકીલ દ્વારા આ ટેસ્ટ દરમિયાન થયેલી પૂછપરછ અને તેના તારણો અંગે કોર્ટને માહિતગાર કરવામાં આવી છે.
નાર્કો ટેસ્ટમાં 31 પ્રશ્નોનો મારો
સુનાવણી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું હતું કે, નાર્કો ટેસ્ટ દરમિયાન ગણેશ ગોંડલને કુલ 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્નોમાં મુખ્યત્ત્વે ઘટનાના દિવસે બનેલો સમગ્ર બનાવ, મારામારીની ઘટના અને તેની પાછળના કારણો, ફેટલ એક્સિડન્ટ (જીવલેણ અકસ્માત) સંબંધિત સંજોગો જેવા મુદ્દાઓ પર આધારિત હતા.
આ પણ વાંચો: અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 54 વર્ષીય શખ્સનું મોત, ચાલક ફરાર
કાવતરાના કોઈ પુરાવા નહીં?
સરકારી વકીલે કોર્ટમાં રિપોર્ટ ટાંકીને નિવેદન આપ્યું હતું કે, નાર્કો ટેસ્ટના પરિણામો મુજબ આરોપીએ કોઈ પૂર્વયોજિત કાવતરું રચ્યું હોય તેવું જણાઈ આવતું નથી. વધુમાં, આરોપીના ઘરે થયેલી જૂની માથાકૂટનો બદલો લેવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવા પણ કોઈ સચોટ પુરાવા ટેસ્ટ દરમિયાન મળ્યા નથી. જોકે, આ ટેસ્ટ બાદ લેબોરેટરી દ્વારા તપાસ અધિકારીને કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે.
અરજદાર પક્ષની 'નાર્કો એનાલિસિસ'ની માંગ
બીજી તરફ, મૃતક રાજકુમાર જાટના વકીલે માત્ર નાર્કો ટેસ્ટના તારણોથી સંતોષ ન માનતા 'નાર્કો એનાલિસિસ' કરવાની માંગણી કરી હતી. આ માંગણીને ધ્યાને રાખીને ગુજરાત હાઈકોર્ટે અરજદાર પક્ષના વકીલને નાર્કો એનાલિસિસ રિપોર્ટની કોપી પૂરી પાડવા માટે સરકારને હુકમ કર્યો છે.
હવે પછીની કાર્યવાહી
હાઈકોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ આ કેસની વધુ સુનાવણી 15મી જાન્યુઆરી પર મુલતવી રાખી છે. આગામી સુનાવણીમાં એનાલિસિસ રિપોર્ટના આધારે નવા તથ્યો સામે આવે તેવી શક્યતા છે. રાજકુમાર જાટના મોત પાછળ અકસ્માત હતો કે સુનિયોજિત હત્યા, તે રહસ્ય પરથી પડદો ઉચકવા માટે હવે 15 જાન્યુઆરીની તારીખ નિર્ણાયક સાબિત થશે.


