Get The App

અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 54 વર્ષીય શખ્સનું મોત, ચાલક ફરાર

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 54 વર્ષીય શખ્સનું મોત, ચાલક ફરાર 1 - image

Ahmedabad Gulabi tekra Accident News : અમદાવાદના ગુલબાઈ ટેકરા ત્રણ રસ્તા પાસે ગઈકાલે સવારે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરઝડપે આવતા એક અજાણ્યા ટુ-વ્હીલર ચાલકે અન્ય ટુ-વ્હીલરને ટક્કર મારતા 54 વર્ષીય રાજનકુમાર શાહનું ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને અજાણ્યો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની સામે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય રાજનકુમાર અશ્વિનભાઈ શાહ મંગળવાર, 06 જાન્યુઆરી, 2026ના રોજ સવારે આશરે 10:00 વાગ્યે પોતાનું ટુ વ્હીલર લઈને નોકરી પર જવા નીકળ્યા હતા. તેઓ જ્યારે ગુલબાઈ ટેકરા ત્રણ રસ્તા પાસે આવેલા ગોયલ ટાવર સામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા એક અજાણ્યા ટુ-વ્હીલર ચાલકે પોતાનું વાહન બેદરકારી અને પૂરઝડપે હંકારી રાજનકુમારની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રાજનકુમાર રોડ પર પટકાયા હતા અને તેમને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ અકસ્માત સર્જનાર ચાલક મદદ કરવાને બદલે ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ ઘટનાસ્થળે હાજર હર્ષભાઈ રાવલ અને ભાર્ગવભાઈ પંચાલ જેવા પ્રત્યક્ષદર્શીઓએ તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. લોહીલુહાણ હાલતમાં રાજનકુમારને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ સવારે 10:45 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના મોટા ભાઈ પરેશભાઈ શાહે આ અંગે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.