'પિતાની મિલકત પચાવી, માતા પર હુમલો... મોટા પપ્પા ભાજપમાં હોવાથી પોલીસ ફરિયાદ નથી લેતી', રાજકોટના નેતા પર યુવતીનો આરોપ
Rajkot News : મૂળ રાજકોટની મુંબઈ રહેતી એક્ટ્રેસ અને મોડેલ ક્રિસ્ટીના પટેલે ભાજપના નેતા અને પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, 'મારી માતાની જિંદગી જોખમમાં છતા પોલીસ ફરિયાદ નથી લેવાતી, મારા પિતાના સગા મોટા ભાઇ દાદાગીરી કરે છે. મિલકત મામલે અમારા ઘરમાં ઘૂસી હુમલો કર્યો છે. મને અને મારી માતાને હેરાન કરે છે.'
જાણો શું છે મામેલો
મુંબઈ રહેતી ક્રિસ્ટીના પટેલે કહ્યું કે, મારા પિતાના અવસાન પછી હું ઘણું બધું જોઈ રહી છું. મારા પિતાનાં પરિવારજનોએ તેમની બધી મિલકત લઇ લીધી છે, મને એનાથી પણ કોઈ ફેર નથી પડ્યો, અમે કોઈ રિએક્શન નથી આપ્યું, અમે લીગલ એક્શન લીધા છે, જે બધા લોકો લેતા હોય છે. હું મુંબઈ આવી છું અને મારાં મમ્મી રાજકોટમાં એકલાં રહે છે. મારા મોટા પપ્પા જેનું નામ છે બિપિન અમૃતિયા, ભાઈ આનંદ અમૃતિયા, અને એક અન્ય શખસ, જેનું મને નામ નથી ખબર. આ લોકોએ મારી માતા પર હુમલો કર્યો છે. અમે પોલીસને બોલાવી, પણ તેમણે કોઈ એક્શન ના લીધી, એટલે કે તેમણે અમારી ફરિયાદ ન લીધી. કમિશનર સાથે વાત કરવાની કોશિશ કરી, પણ તેઓ કોઈ એક્શન લેતા નથી.'
ભાજપ નેતા અને પોલીસ પર આરોપ લગાવતા ક્રિસ્ટીના પટેલે કહ્યું કે, 'મારા મોટા પપ્પા ભાજપમાં કંઇક છે, જેથી તમે રાજકારણમાં છો તો એ વાતનો ફાયદો ઉઠાવી તમે કોઈની હત્યા પણ કરી નાખો? મારી માતાને કંઈક થઇ ગયું હોત તો હું શું કરત.? પોલીસ ફરિયાદ કેમ નથી લઇ રહી? હું એ જાણવા માગું છું. કોઈનો જીવ જોખમમાં હોય તો ફરિયાદ કેમ લેવામાં નથી આવતી, કારણ કે એ ભાજપમાં છે, આ વાતનો પ્લીઝ ફાયદો ન ઉઠાવો, રાજકારણમાં છો તો શું કોઈનો જીવ લઇ લેશો.? મને સમજમાં નથી આવતું કે હું શું કરું...હું મુંબઈ રહું છું, મારી માતા રાજકોટ રહે છે, ગુજરાત પોલીસ પાસે એક્શન અને મારી માતાની સલામતી માગું છું, આટલું તો પોલીસ કરી જ શકે.'
આ પણ વાંચો: ગાંધીનગરમાં આજે ફરી ગૂંજશે આંદોલનના પડઘા, આંગણવાડી બહેનો 'આક્રોશ રેલી' યોજશે
ક્રિસ્ટીના મોટા પપ્પા દિનેશ અમૃતિયા જસદણ ભાજપના પ્રભારી છે
મળતી માહિતી અનુસાર ક્રિસ્ટીના પટેલના મોટા પપ્પા દિનેશ અમૃતિયા જસદણ ભાજપના પ્રભારી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, 'દિનેશ અમૃતિયા ભાજપ હોવાથી પોલીસ ફરિયાદ નોંધતી નથી અને કોઈ કાર્યવાહી પણ કરતી નથી.'