રાજકોટ-સુરતમાં બની હૃદય દ્રાવક ઘટના, રાજ્યમાં 24 કલાકમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોતની આશંકા
Heart Attack Cases Increased in Gujarat: ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકથી થતા મોતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી યુવાનો અને બાળકોમાં પણ હાર્ટ એટેકના બનાવો વધતા આરોગ્ય તંત્ર અને નાગરિકોમાં દહેશત વ્યાપી છે. આજે રાજકોટમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત થયાની આશંકા સેવાઈ રહી છે, જ્યારે સુરતમાં પણ એક યુવતીનું બેભાન થઈ જતાં મોત નીપજ્યું હતું.
13 વર્ષીય વિદ્યાર્થી ભોગ બન્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં ધોરણ 7 માં અભ્યાસ કરતો 13 વર્ષીય ભાવેશ બાંભવા નામનો વિદ્યાર્થી અટલ સરોવર ખાતે મેળામાં ગયો હતો. મેળામાં પાણી પીધા બાદ તે અચાનક ઢળી પડ્યો હતો. તેને હાર્ટ એટેકે આવ્યો હોવાની આશંકાએ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. અને તેનું મોત આંચકી આવ્યા બાદ થયું હોવાની માહિતી આપવામાં આવી હતી. આ ઘટનાથી પરિવાર અને શાળામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદના સાણંદમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, રિસોર્ટમાંથી 100 લોકો ઝડપાયાં
લઘુશંકા કરવા સમયે 20 વર્ષીય યુવાન અચાનક ઢળી પડ્યો
આ ઉપરાંત, રાજકોટમાં જ વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. રવિવારે સવારે એક 20 વર્ષીય યુવાન લઘુશંકા કરવા સમયે અચાનક ઢળી પડતાં માથાના ભાગે ઇજા પહોંચી હતી. યુવરાજસિંહ શિરપાલ યાદવ (ઉં.વ.20) ને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બંને કિસ્સાઓમાં હાર્ટ એટેકથી મોત થયાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે મોતનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં 29 વર્ષીય યુવતી ગુમાવ્યો
બીજી તરફ, સુરતના કતારગામ વિસ્તારમાં પણ હૃદય દ્રાવક ઘટના બની હતી. અહીં એક યુવતી મીનલબેન (29 વર્ષ) ઘરમાં બેભાન થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ મીનલબેનને મૃત જાહેર કરી હતી અને હાર્ટ એટેકનું મોત નીપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
રાજ્યમાં અચાનક થતા મોતના આવા બનાવો ચિંતાનો વિષય બન્યા છે. તબીબી નિષ્ણાતો દ્વારા આ અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ અને જાગૃતિ અભિયાનની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.