રાજકોટ BJPમાં ગરમાવો: મેયર-ધારાસભ્ય વચ્ચે આમંત્રણ પત્રિકાને લઈને 'મહાભારત'

Rajkot News: ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગઢ ગણાતા રાજકોટમાં ફરી એકવાર આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. મેયર નયનાબેન પેઢડિયા અને સ્થાનિક ધારાસભ્ય દર્શિતાબેન શાહ વચ્ચે થયેલી શાબ્દિક બોલાચાલીનો એક વીડિયો વાઈરલ થયો હોવાની ચર્ચા છે જેના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સત્તાધારી પક્ષના બે મહિલા નેતાઓ વચ્ચેનો આ વિવાદને કારણે પક્ષમાં પદના સન્માન અને આંતરિક તણાવનો મુદ્દો ઉજાગર થયો છે.
દિવાળી કાર્નિવલની આમંત્રણ પત્રિકા બન્યું વિવાદનું મૂળ
પ્રાથમિક માહિતી મુજબ, મેયર અને ધારાસભ્ય વચ્ચેના આ તણાવનું મૂળ કારણ રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા આયોજિત દિવાળી કાર્નિવલની આમંત્રણ પત્રિકા હતી. મેયર નયનાબેન પેઢડિયાએ આ મામલે મોટો દાવો કર્યો હતો કે, ધારાસભ્ય દર્શિતા શાહે તેમને સૂચના આપી હતી કે આમંત્રણ પત્રિકામાં માત્ર તેમનું (દર્શિતા શાહનું) જ નામ રાખવામાં આવે અને બાકીના તમામ ધારાસભ્યો તેમજ અન્ય પદાધિકારીઓના નામ હટાવી દેવામાં આવે.
જો કે, મેયર નયનાબેન પેઢડિયાએ આ સૂચનાનો સ્વીકાર ન કર્યો. મેયરે અન્ય ધારાસભ્યોના નામ ન લખવાની વાત માનવાનો ઇન્કાર કરતાં બંને મહિલા નેતાઓ વચ્ચે તણાવ વધ્યો અને આ બોલાચાલી થઈ હોવાની અટકળો તેજ થઈ છે.
આ પણ વાંચો: ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરોને મળશે વહેલો પગાર: દિવાળીના તહેવારને લઈને નિર્ણય
શોપિંગ ફેસ્ટિવલ પોસ્ટમાં એક જ ધારાસભ્યના નામનો ઉલ્લેખ
બીજી બાજુ, એવી પણ અટકળો છે કે રાજકોટ મહાનગરપાલિકાએ સોશિયલ મીડિયા પર 'શોપિંગ ફેસ્ટિવલ'ના કાર્યક્રમને લઈને જે પોસ્ટ કરી છે, તેમાં લખ્યું છે કે, 'શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના વરદ હસ્તે કરવામાં આવશે.' એટલે કે પોસ્ટમાં માત્ર એક જ ધારાસભ્યના નામનો ઉલ્લેખ છે. આ કારણોસર પણ દર્શિતાબેનને વાંધો હોય તેવી શક્યતા છે.
આ વિવાદ ભાજપમાં પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે પ્રોટોકોલ અને પદના સન્માનને લઈને ચાલી રહેલા સંઘર્ષની વાસ્તવિકતા ખુલીને બહાર આવી છે.
અગાઉ પણ સપાટી પર આવ્યો છે વિખવાદ
રાજકોટ ભાજપમાં અસંતોષની આ પ્રથમ ઘટના નથી. અગાઉ પુનિતનગર વિસ્તારમાં મહાનગર પાલિકાના એક કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ભાવુક થઈ ગયા હતાં. તેમણે જાહેરમાં દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 'મારી છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મને ભાજપના જ નેતાઓ બદનામ કરી રહ્યા છે. સમય આવશે ત્યારે હું ખુલીને બધી વાત કરીશ.' એક પછી એક નેતાઓમાં સપાટી પર આવી રહેલો અસંતોષ, રાજકોટ ભાજપની આંતરિક સ્થિતિ પર સવાલ ઊભા કરે છે.
સુરતમાં ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે મારામારી
ઉલ્લેખનીય છે કે, સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે આઠમી ઑક્ટોબરે છુટા હાથની મારામારી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં ભાજપના કાર્યાલય ખાતે કાર્યકર્તા દિનેશ સાવલિયા અને ખજાનચી શૈલેષ જરીવાલા વચ્ચે બબાલ થઈ હતી. જેમાં દિનેશ સાવલિયાએ શૈલેષ જરીવાલાને લાફો ઝીંકી દીધો હતો. સમગ્ર ઘટના મામલે શહેર ભાજપ પ્રમુખે બંને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. તેવામાં શૈલેષ જરીવાલાએ ઉધના પોલીસ મથકમાં દિનેશ સાવલિયા સામે ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે.