રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot news: રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ સમન્વય સુલભ એપાર્ટમેન્ટમાં સોમવારે 30 માર્ચના રોજ મોડી રાત્રે ફાયરિંગની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. રાજકોટ સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર (PSI)એન.કે. પંડ્યાની સર્વિસ પિસ્તોલમાંથી અચાનક ગોળી છૂટતા PSI પોતે અને તેમની સાથે હાજર એક મહિલા મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બંનેને હાલ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
સર્વિસ રિવોલ્વરની સફાઈ દરમિયાન ઘટી ઘટના?
પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબઆ ઘટના રાત્રિના આશરે 1 વાગ્યાની આસપાસ બની હતી. પીએસઆઈ પંડ્યા પોતાના ફ્લેટમાં સર્વિસ પિસ્તોલ સાફ કરી રહ્યા હતા, તે દરમિયાન હથિયાર લોડ હોવાને કારણે અચાનક ફાયરિંગ થયું હતું. ગોળી PSIના હાથમાં વાગ્યા બાદ ભટકાઈને ત્યાં હાજર તેમના મહિલા મિત્રના પડખાના ભાગે વાગી હતી. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે સ્થળ પર દોડી ગયા હતા.
પોલીસનું સત્તાવાર નિવેદન
આ સમગ્ર મામલે તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે: ' યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શિવશક્તિ કોલોની, જે યુનિવર્સિટી રોડ પર આવેલ છે, ત્યાં સમન્વય સુલભ એપાર્ટમેન્ટના એ-વિંગમાં ફ્લેટ નંબર 404માં એક ફાયરિંગની ઘટના બની હતી, PSI એન.કે. પંડ્યા, જેઓ હાલ 15 દિવસથી સાયબર ક્રાઈમમાં કાર્યરત છે, તેઓ પોતાની ગ્લોક પિસ્તોલ સાફ કરી રહ્યા હતા ત્યારે આકસ્મિક રીતે મિસફાયર થયું હતું. આ ઘટનામાં PSIને હાથમાં ફ્રેક્ચર થયું છે અને તેમની સાથે હાજરમહિલા મિત્રને પણ ઈજા પહોંચી છે.
ખાતાકીય તપાસ કરવામાં આવશે: પોલીસ અધિકારી
'FSLની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે અને હથિયાર કબજે લેવાયું છે. જો તપાસમાં કોઈ બેદરકારી કે ગુનાહિત કૃત્ય જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે., હાલ ખાલી કારતૂસ કબજે કરવામાં આવ્યા છે સર્વિસ વેપનથી ફાયરિંગ થયું હોવાથી નિયમ મુજબની ખાતાકીય તપાસ અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. બંને ઘાયલો સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર છે.'
રહસ્ય અને શંકાના દાયરામાં ઘટના
આ ઘટનાને પગલે પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ જાગી છે. PSI પંડ્યા છેલ્લા બે વર્ષથી આ ફ્લેટમાં ભાડેથી એકલા રહેતા હતા. મહિલા મિત્ર અવારનવાર તેમને મળવા આવતી હોવાનું ચર્ચા રહ્યું છે. જો કે મધ્યરાત્રિએ 1 વાગ્યે હથિયાર સાફ કરવાની વાત અને તે સમયે મહિલાની હાજરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
તાલીમબદ્ધ અધિકારીની આવી તો કેવી બેદરકારી?
પોલીસ અધિકારીઓને હથિયારની સફાઈ અને તેની સાવચેતી અંગે વિશેષ તાલીમ આપવામાં આવે છે, તેમ છતાં લોડ રિવોલ્વર સાથે સફાઈ કરવી તે મોટી લાપરવાહી ગણાય. જે તપાસનો વિષય છે, ફાયરિંગ બાદ તુરંત જ ફ્લેટને તાળું મારી દેવામાં આવ્યું હતું, મધરાત્રે શું બન્યું તેનું રહસ્ય ઘેરાયું છે.
ઈજાગ્રસ્ત PSI એન.કે. પંડ્યા 2022-23 બેચના સીધા ભરતી થયેલા અધિકારી છે. તેઓ અગાઉ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ હતા અને માત્ર 15 દિવસ પહેલા જ તેમનું પોસ્ટિંગ સાયબર ક્રાઈમમાં થયું હતું. PSI મૂળ ભાવનગરના અને મહિલા મિત્ર વલસાડના વતની હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ આ મામલે 'જાણવા જોગ' નોંધીને ઊંડી તપાસ ચલાવી રહી છે.








