Arvind Kejriwal in Rajkot: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે(8 ડિસેમ્બર) બીજા દિવસે રાજકોટમાં મીડિયા સમક્ષ નિવેદન આપતા તેમણે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશન હોલમાં ખેડૂતો સાથેની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસને એક જ સિક્કાની બે બાજુ ગણાવી હતી અને બોટાદના 'હડદડ આંદોલન'ને ભાજપ માટે 'ગુજરાત છોડો આંદોલન' ગણાવ્યું હતું.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 'બોટાદના હડદડ આંદોલનમાં 88 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 42 લોકોને જામીન મળ્યા છે અને 46 લોકો જેલમાં છે. એક-એક વ્યક્તિને અમે જેલમાંથી બહાર કાઢીશું. ખેડૂતો ત્યાં પથ્થરમારો કરવા નહીં પરંતુ, કડદા પ્રથા મામલે ન્યાય માગવા ગયા હતા, જેથી તમામ ખેડૂતોને છોડી મૂકવામાં આવે. બે વર્ષ પછી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યારે તમામ ખોટી FIR રદ કરી દેવાશે. આ સાથે ખોટી રીતે જેઓ જેલમાં છે તેમને મુક્ત કરવામાં આવશે અને જેઓ ખરેખર દોષિત છે તેમને જેલમાં પૂરવામાં આવશે. મને પણ જેલમાં નાખવામાં આવ્યો હતો. મારો વાંક શું હતો?
ભાજપા અને કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ: કેજરીવાલ
ગોપાલ ઈટાલિયા પર થયેલા 'જુત્તા' હુમલા અંગે પણ કેજરીવાલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે 'ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ છે. બંનેનું ગઠબંધન છે. બે દિવસ પહેલા ગોપાલ ઈટાલિયા ભાજપની પોલ ખોલી રહ્યા હતા તો કોંગ્રેસને ખોટું લાગી ગયું હતું અને તેમના પર હુમલો કરી દીધો હતો. આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા અને નેતાઓ જેલ જવાથી ડરતા નથી. બે વર્ષ બાદ ગુજરાતમાં આપની સરકાર બનવા જઈ રહી છે ખેડૂતોને જેલભેગા કરનારને જેલમાં ચક્કી પીસતા કરી દઇશું.'
'દંડા અને અશ્રુ ગેસથી લોકોને કાબૂમાં કરવાનો પ્રયત્ન'
કેજરીવાલે તીખો પ્રહાર કરતાં ભાજપ સરકારને અંગ્રેજો જેવી અહંકારી ગણાવી હતી અને કહ્યું કે 'છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર હોવાથી તેમને અહંકાર આવી ગયો છે કે, તેમને કોઈ સત્તા પરથી હટાવી નહીં શકે. દંડા અને આંસુ ગેસથી લોકોને કાબૂમાં કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દારૂ વેચતા લોકો પર ભાજપ કાર્યવાહી નથી કરતી, પરંતુ કડદા પ્રથા દૂર કરવા માટે એકઠા થયેલા ખેડૂતો પર ખોટા કેસ કરવામાં આવે છે.'
ભાજપે કેજરીવાલ પર કર્યો વળતો પ્રહાર
તો બીજી તરફ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરાએ પણ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે 'બહુરૂપી ચહેરો' દિલ્હી-પંજાબ પૂરતો સીમિત રાખવાની અને સૌરાષ્ટ્રમાં ન આવવાની સલાહ છે, ભાજપ અને કોંગ્રેસને એક સિક્કાની બે બાજુ કહેનારા કેજરીવાલ યાદ રાખે કે ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે AAPનું જ ગઠબંધન હતું.
રાજકોટ જેલમાં બંધ ખેડૂતો અને આપના નેતાઓને મળવા મંજૂરી માંગી
અરવિંદ કેજરીવાલે રાજકોટ જેલમાં બંધ ખેડૂત નેતાઓને મળવા માટેની જેલ સત્તાવાળાઓ સમક્ષ મંજૂરી માંગી છે. જો મંજૂરી મળશે તો અરવિંદ કેજરીવાલ રાજકોટ જેલમાં બંધ ખેડૂતો અને આપના નેતાઓને મળશે. મહત્ત્વનું છે કે આપ નેતા રાજુ કરપડા સહિત 46 લોકો રાજકોટ જેલમાં બંધ છે.


