Amit Khunt Case: ગોંડલના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ રીબડાને ગોંડલ કોર્ટે રાહત આપતા જામીન મંજૂર કર્યા છે. રાજદીપસિંહ છેલ્લા 61 દિવસથી જેલવાસ ભોગવી રહ્યો છે. ગોંડલ કોર્ટે જામીન મુક્તિનો આદેશ આપતા હવે જેલમુક્ત થશે.
10 નવેમ્બરે કહ્યું હતું આત્મસમર્પણ
મહત્વનું છે કે અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરિયાદ બાદ રાજદીપસિંહ જાડેજા 6 મહિના ફરાર રહ્યો હતો, જે બાદ 10 નવેમ્બર, 2025ના રોજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. બાદમાં પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા બાદમાં 13 નવેમ્બરના રોજ જૂનાગઢ જેલમાં ધકેલી દેવાયો હતો.
શું છે અમિત ખૂંટ આત્મહત્યા કેસ?
સાવરકુંડલાની 17 વર્ષની સગીરાએ અમિત ખૂંટ પર આરોપ લગાવ્યો હતો કે, 'છેલ્લા બે મહિનાથી તે રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડેલિંગ કરતી હતી. આ સમય દરમિયાન તેને રીબડા ગામના અમિત દામજી ખૂંટ નામના પટેલ યુવાન સાથે પરિચય થયો હતો અને બંને અવારનવાર મળતા હતા. ત્યારે યુવાને સગીરાને જ્યુસમાં બેભાન કરવાની દવા પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું.'
જો કે, પોલીસ તપાસ શરૂ થાય તે પહેલાં જ અમિત ખૂંટે પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. યુવાને ઝાડ પર દોરડું બાંધી ગળાફાંસો ખાધો હતો. પોલીસને ઝાડ પર પ્લાસ્ટિકની બે થેલીઓ લટકતી મળી આવી હતી. ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે 'મને મારવા પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે.'

અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને બે યુવતી સામે થઈ હતી ફરિયાદ
આ આપઘાતને લઈને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને બે યુવતીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108, 61(2), 54 મુજબ ફરિયાદ નોંધાઈ હતી. અનિરુદ્ધસિંહ જાડેજાએ બે યુવતીઓ સાથે મળીને અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવીને બદનામ કરવાનું કાવતરું રચવું અને દુષ્કર્મનો ખોટો કેસ કરીને આત્મહત્યા માટે મજબૂર કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. ફરિયાદ મૂળ 4 આરોપી સામે કરવામાં આવી હતી. જેમાં અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને બે યુવતીઓનો સમાવેશ થાય છે.
હું રાજદીપ સિંહને ઓળખતી પણ નથી: આરોપી સગીરાનો આક્ષેપ
આ અગાઉ ચકચારી પ્રકરણમાં હનીટ્રેપ કેસની આરોપી સગીરાએ તેના વકીલ સાથે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવતા હતું કે, 'મૃતક અમિત ખૂંટ દ્વારા કેફી પીણું પીવડાવીને મારા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને પછી મેં ફરિયાદ કરતા પોતે આપઘાત કરી લીધો છે. તેની પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં લગાવવામાં આવેલા હનીટ્રેપના આક્ષેપ ખોટા છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના માણસો દ્વારા ખૂબ દબાણ કરીને મને 6 લોકો અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, દિનેશ પાતર, રહીમ અને સંજય પંડિતનાં નામ આપી દેવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં અનિરૂદ્ધસિંહ કે રાજદીપસિંહ જાડેજાને હું ઓળખતી પણ નથી.'


