Get The App

સરકારનો મોટો નિર્ણય: ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓનું વ્યાજ માફ, જાણો કોને અને કેવી રીતે મળશે લાભ-માલિકીનો હક્ક

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
સરકારનો મોટો નિર્ણય: ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓનું વ્યાજ માફ, જાણો કોને અને કેવી રીતે મળશે લાભ-માલિકીનો હક્ક 1 - image


Rural Housing Scheme: ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે મુખ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓ માટે ‘વન ટાઈમ સેટલમેન્ટ’ (One Time Relief Scheme) યોજના અમલી બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ યોજના અંતર્ગત બાકી હપ્તા પરનું દંડનીય વ્યાજ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે.

શું છે આ ‘વન ટાઈમ રાહત યોજના’?

ઘણા લાંબા સમયથી આવાસ યોજનાના લાભાર્થીઓ આર્થિક સંકડામણને કારણે માસિક 2% લેખે ચડતું દંડનીય વ્યાજ ભરી શકતા નહોતા. સરકારના નવા નિર્ણય મુજબ,

6 મહિનાની મુદ્દત: લાભાર્થીઓએ આગામી 6 મહિનાની અંદર પોતાના આવાસની બાકી રહેલી મૂળ રકમ (મુદ્દલ) સંપૂર્ણ ભરપાઈ કરવાની રહેશે.

વ્યાજ માફી: જો મુદ્દલ રકમ ભરી દેવામાં આવે, તો તેના પર લાગેલું 2% દંડનીય વ્યાજ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે.

9,000 થી વધુ પરિવારોને થશે સીધો ફાયદો

મુખ્યમંત્રીના આ નિર્ણયથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અંદાજે 9,029 કુટુંબોને સીધો આર્થિક લાભ મળશે. લાભાર્થીઓને સામૂહિક રીતે કુલ રૂ. 154 કરોડ જેટલી માતબર રકમની વ્યાજ માફીનો લાભ મળશે. આ નિર્ણયથી ગરીબ પરિવારો પરથી દેવાનો મોટો બોજ હળવો થશે.

આ પણ વાંચો: વડોદરા: ન્યુ સમા રોડ પર રહેણાંક સોસાયટીમાં શિયાળ ઘૂસી આવ્યું, વન વિભાગે ભારે જહેમત બાદ કર્યું રેસ્ક્યૂ

ભાડુઆત મટીને બનશે સાચા 'મકાન માલિક'

અત્યાર સુધી વ્યાજ અને હપ્તા બાકી હોવાને કારણે ઘણા લાભાર્થીઓને મકાનના કાયદેસરના દસ્તાવેજ કે માલિકી હક્ક મળ્યા નહોતા. આ યોજના હેઠળ પૂરેપૂરી મુદ્દલ રકમ ભરતાની સાથે જ લાભાર્થીઓને તેમના મકાનના માલિકી હક્ક સોંપવામાં આવશે, જેનાથી તેઓ અધિકૃત રીતે મકાન માલિક બની શકશે.