રાજકોટમાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામ: પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે પણ આત્મહત્યા કરી

Rajkot Crime News: રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં આજે સવારે કૌટુંબિક કંકાસનો એક અત્યંત કરુણ અંજામ સામે આવ્યો છે. પત્નીના ભત્રીજા સાથેના અનૈતિક સંબંધોની શંકાના આધારે ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર ફાયરિંગ કરી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આટલેથી ન અટકતાં પતિએ પોતે જ લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે પત્ની યોગા ક્લાસમાંથી પરત ફરી રહી હતી. તે સમયે જ પતિએ તેને આંતરી હતી અને તેની પર ગોળી ચલાવી દીધી હતી. ગોળી વાગવાથી પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પત્ની પર હુમલો કર્યા બાદ પતિએ એ જ હથિયાર વડે પોતાના લમણે ગોળી મારી જીવન ટૂંકાવી લીધું હતું.
આ પણ વાંચો: ભાવનગરમાં અરેરાટીભરી ઘટના: લગ્નના દિવસે જ યુવતીની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ખૂની ખેલ પાછળ કાકી અને ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સબંધો કારણભૂત છે. પત્નીના આ આડા સંબંધોને લઇને પતિ-પત્ની વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી ગંભીર ઝઘડો ચાલતો હતો, જેનો અંત આખરે લોહિયાળ સાબિત થયો.
ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 3 કારતૂસ જપ્ત કર્યા છે. પોલીસે પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ઇજાગ્રસ્ત પત્નીનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

