ભાવનગરમાં અરેરાટીભરી ઘટના: લગ્નના દિવસે જ યુવતીની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

Woman murdered on wedding day in Bhavnagar: ભાવનગરમાં આજે સવારે એક અત્યંત કરુણ અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં જે યુવતીના આજે લગ્ન હતા, તે જ યુવતીની છરીના ઘા ઝીંકીને ભાવિ પતિ દ્વારા ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા હિંમતભાઈ જીવાભાઇ રાઠોડની પુત્રી સોનીબેનની આજે સવારે તેના જ ઘરમાં ભાવિ પતિ સાજન દ્વારા હત્યા કરવામાં આવી હતી. હત્યારો યુવતીને છરીના ઘા ઝીંકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સૌથી દુઃખદ વાત એ છે કે આજે જ સોનીબેનના લગ્ન લેવાના હતા. જે ઘરમાં લગ્નના ગીત અને શરણાઈના સૂર ગુંજવાના હતા, ત્યાં આજે આક્રંદ અને માતમ છવાઈ ગયો હતો.
આ પણ વાંચો: રાજકોટમાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામ: પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે પણ આત્મહત્યા કરી
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સૌપ્રથમ પંચનામું કર્યું હતું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પોલીસે હત્યારાની ભાળ મેળવવા માટે પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ઘટનાસ્થળ પરથી ફિંગરપ્રિંટ સહિતના તમામ વૈજ્ઞાનિક પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

