Rajkot News : ગુજરાતના ગોંડલમાં પાટીદાર સમાજના સગીરને માર મારવાને લઈને મામલો ગરમાયો હતો. રાજકોટમાં ક્ષત્રિય અને પાટીદાર વચ્ચે તણાવ ઊભો થયો હતો. જોકે, મામલો વકરતા બંને સમાજના આગેવાનોએ સર્વ સમાજની બેઠક યોજીને સમાધાન કર્યું હતું. તેવામાં ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં અલ્પેશે કહ્યું કે, 'કોઈએ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવવાની નથી, ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે.' તમને જણાવી દઈએ કે, ગણેશ ગોંડલ સામે અનેક આરોપો ગુના હોવા છતાં ભાજપ તેને ભવિષ્યમાં ધારાસભ્ય બનાવવા માગે છે. લાગે છે કે ગુનાખોરી એ હવે નેતા બનવા માટેની એક ક્વોલિફિકેશન બની ગઈ છે.
જે લાળ ટપકાવતા હોય એ સાંભળી લે...: અલ્પેશ ઢોલરિયા
આ મુદ્દે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે, 'પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સંબંધ છે. અહીં પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે કોઈ સમસ્યા નથી. જયરાજસિંહ અમારા બાપ સમાન છે. જે લોકો બહારના લુખ્ખાઓ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવે છે એ જાણી લે કે, અહીંયા ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે. સૌરાષ્ટ્ર બહારના જે લોકો ગોંડલને અલગ નજરે જુએ છે અને ગોંડલને મિરઝાપુર કહે છે, તેવા ટપોરી અને લુખ્ખા તત્ત્વોને જવાબ આપવા માંગુ છું કે, ગોંડલ ગોકુળિયું ગોંડલ છે અને ભગવતસિંહનું ગોંડલ છે.'
તેમણે કહ્યું કે, 'ગોંડલમાં તમામ સમાજના લોકો એક થઈને રહે છે. 500 કિલોમીટર દૂરથી અને 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજને અથડાવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને તેવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે, પાટીદાર અને ક્ષત્રિયોને અથડાવવાના તમારા જે સપના છે એ સપના પુરા નહીં થાય.'


