'ગોંડલને મિર્ઝાપુર કહેનારા ટપોરી સાંભળી લે...', પાટીદાર સગીરને માર મારવા મુદ્દે થયું સમાધાન, પીડિતના પિતાએ જાણો શું કહ્યું
Gondal Patidar-Kshatriya Samaj Settlement: ગુજરાતના ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાને લઈને રાજકારણ ગરમાયું હતું. રાજકોટમાં ક્ષત્રિય અને પાટીદાર વચ્ચે તણાવ ઊભો થયો હતો. જોકે, મામલો વકરતા બંને સમાજના આગેવાનોએ સર્વ સમાજની બેઠક યોજી આ મામલે સમાધાન કર્યું હતું. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મધ્યસ્થીથી બંને સમાજ વચ્ચે શાંતિનો માર્ગ નીકળ્યો છે. જેમાં સગીરના પિતાએ પણ કહ્યું કે, હું સમાધાનમાં રાજી છું.
ગોંડલને બદનામ કરવામાં આવ્યું
આ બેઠકમાં જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, હું દરેક સમાજનો આભારી છું. ગોંડલને બદનામ કરવાની વાત કરવામાં આવે ત્યારે કોઈએ કાંઈ બાકી નથી રાખ્યું. આજે અઢારેય આલમ જ્યારે અહીં છે ત્યારે કહેવા માંગુ છં કે, આક્ષેપના જવાબ આપવા યોગ્ય નથી. હંમેશા ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે સૌ એકસાથે જવાબ આપીશું.
જે લાળ ટપકાવતા હોય એ સાંભળી લે...: અલ્પેશ ઢોલરિયા
આ મુદ્દે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે, પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સંબંધ છે. અહીં પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે કોઈ સમસ્યા નથી. જયરાજસિંહ અમારા બાપ સમાન છે. જે લોકો બહારના લુખ્ખાઓ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવે છે એ જાણી લે કે, અહીંયા ગણેશ ધારાસભ્ય બનશે. સૌરાષ્ટ્ર બહારના જે લોકો ગોંડલને અલગ નજરે જુએ છે અને ગોંડલને મિરઝાપુર કહે છે, તેવા ટપોરી અને લુખ્ખા તત્ત્વોને જવાબ આપવા માંગુ છું કે, ગોંડલ ગોકુળિયું ગોંડલ છે અને ભગવતસિંહનું ગોંડલ છે. અહીં તમામ સમાજના લોકો એક થઈને રહે છે. 500 કિલોમીટર દૂરથી અને 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજને અથડાવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને તેવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે, પાટીદાર અને ક્ષત્રિયોને અથડાવવાના તમારા જે સપના છે એ સપના પુરા નહીં થાય.
પીડિતના પિતાએ શું કહ્યું?
આ વિશે પીડિત સગીરના પિતાએ જણાવ્યું કે, મારે પહેલા પણ કોઈ સમાજ સાથે ઝઘડો નહોતો અને આગળ પણ હું રાખવાનો નથી, જે સમાધાન થયું છે તેમાં હું રાજી છું.
શું હતી સમગ્ર ઘટના?
ગોંડલના ભગવતપરા વિસ્તારમાં રહેતા એક સગીરને સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં હનુમાનજી મંદિર પાસે મયુરસિંહ ઝાલા અને તેના ભાઈ દર્શનસિંહ ઝાલા તથા મિત્ર ક્રિકેટ કોચ મયુરસિંહ સોલંકીએ ધોકા વડે બેરહેમીથી માર માર્યો હતો. જેથી પીઠ, હાથ, પગમાં ગંભીર ઇજાઓ પંહોચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આ વિશે ત્યાં હાજર એક વ્યક્તિએ તેના પિતાને ફોન કરતાં સગીરના માતા-પિતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ત્યારે પણ સગીરને ક્રૂરતા પૂર્વક લાકડાના ધોકાથી માર મારી રહ્યા હતા. આ લોકોને અટકાવવા માટે તેમના પિતા ત્યાં પહોંચ્યા તો તેમને પણ માર મારવામાં આવ્યો. સગીરની માત જ્યારે વચ્ચે પડી તો તેમની ચૂંદડી ખેંચીને ધક્કો મારી નીચે પછાડી દેવામાં આવી અને તેને પણ ઢીકાપાટુ મારવા લાગ્યા. બાદમાં વધુ લોકો એકઠા થતાં આરોપીઓ ત્રણેયને જાનથી મારી નાંખવાથી ધમકી આપી ત્યાંથી ભાગી ગયા હતાં.
નોંધનીય છે કે, છેલ્લાં ઘણાં સમયથી ગોંડલમાં આ પ્રકારની ઘટના બની રહી છે. જેમાં પોલીસની કામગીરી શરૂઆતમાં જ નબળી જોવા મળી હતી. હવે સમાજ દ્વારા પણ આ મુદ્દે સમાધાન થઈ ચુક્યું છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે, શું દર વખતે સમાજ બચાવી લેશે એવી આશા સાથે અસામાજિક તત્ત્વો પોતાનો આતંક મચાવતા રહેશે? શું ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા નામ પૂરતી જ રહી ગઈ છે? રાજ્યમાં અન્ય જગ્યાએ જે પ્રકારે પોલીસ અસમાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરી રહી છે અને બુલડોઝરવાળી કરે છે એ કાર્યવાહી ગોંડલમાં કેમ નથી થતી? ગોંડલમાં પોલીસ કોના દબાણ હેઠળ કામ કરી રહી છે?