વડોદરામાં ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Jagannath Rath Yatra : વડોદરા શહેરમાં અષાઢી બીજના પાવન અવસરે આગામી 16 જુલાઈ, ગુરુવારના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રાને લઈને ઇસ્કોન મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી જે ભવ્ય રથમાં નગરચર્યાએ નીકળવાના છે, તે રથને આકર્ષક બનાવવા માટે રંગરોગાન અને શણગારનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
જગન્નાથપુરીના પ્રસિદ્ધ રથની આબેહૂબ પ્રતિકૃતિ સમાન આ રથ દર વર્ષે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. કારીગરો દ્વારા રથને પરંપરાગત રંગો અને કલાત્મક નકશીકામથી સજાવવામાં આવી રહ્યો છે, જેથી રથયાત્રાના દિવસે તે ભવ્યતા અને દિવ્યતાનું પ્રતિક બની શકે.
રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીના દર્શન કરવા તેમજ રથને ખેંચવાનું પુણ્ય મેળવવા માટે શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. લાખો શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે રથયાત્રામાં જોડાશે અને શહેર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠશે.
રથયાત્રાના સુચારૂ આયોજન માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. સ્વયંસેવકોની વ્યવસ્થા, પ્રસાદ વિતરણ, શણગાર તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમોને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.









