'દબાણ હટાવો નહીંતર ધોકાવાળી થશે...' રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીઓની સામે પડ્યાં ભાજપ નેતા
Rajkot News: રાજકોટ શહેર ભાજપમાં જાણે બરોબર ના ચાલતું હોય તેમ એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં આજે (20મી સપ્ટેમ્બર) મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસના કોર્પોરેટરોએ વોટ ચોર ગદ્દી છોડ, મહિલાઓનું અપમાન બંધ કરો, રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર બંધ કરોના બેનર સાથે દેખાવ કર્યો હતો. તો બીજી તરફ ભાજપના વોર્ડ નંબર -17ના નગરસેવક વિનુ ઘવાએ ભ્રષ્ટ અધિકારીઓની સામે રોસ ઠાલવ્યો હતો.
આરએમસી બોર્ડમાં કોર્પોરેટર વિનુ ઘવાની ચીમકી!
ગેરકાયદે દબાણ ન હટાવતી ટાઉન પ્લાનિંગ શાખા સામે રોસ ઠાલવતા રાજકોટ વોર્ડ નંબર-17ના કોર્પોરેટર વિનુ ઘવા કહ્યું હતું કે, 'રાજકોટ શહેરના તમામ 18 વોર્ડમાં ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા દબાણ હટાવવામાં ન આવતું હોવાનો સવાલ છે. અધિકારી ગમે તેનું બાંધકામ પાડી નાખતા હોય તો 2 ઝૂપડા હટાવી શકતા નથી. કોર્પોરેશને કલેકટર અને મામલતદારની મંજૂરી વિના કેટલાય ઝૂપડા પાડી નાખ્યા છે તો 2 ઝૂપડા પાડી શકતું નથી. એ કોઈ માસીના દિકરા થતા નથી. દબાણ નહીં હટાવો તો ફડાકા અને ધોકા પણ મારવા પડશે. અધિકારીઓ કામ કરતા જ નથી, નકામા થઇ ગયા છે.'
રાજકોટ મહાનગરપાલિકામાં દર બે મહિને જનરલ બોર્ડની બેઠક મળે છે. જેમાં અલગ અલગ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવે છે. બોર્ડના એક કલાકના પ્રશ્નોત્તરીકાળમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા કોર્પોરેટરોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે અને અધિકારીઓ દ્વારા પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે.
આ પણ વાંચો: ગોધરામાં ગેરસમજને કારણે પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ: 17ની ધરપકડ, 88 સામે ફરિયાદ નોંધાઈ
મને ભાજપના જ નેતાઓ બદનામ કરી રહ્યા છે: લીલુબેન જાદવ
ઉલ્લેખનીય ગઈકાલે રાજકોટ પુનિતનગર વિસ્તારમાં મહાનગર પાલિકાના વોર્ડ ઓફિસ અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે ભાજપના જ નેતા સામે ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'મારી છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મને ભાજપના જ નેતાઓ બદનામ કરી રહ્યા છે. સમય આવશે ત્યારે હું ખુલીને બધી વાત કરીશ.'