ગોધરામાં ગેરસમજને કારણે પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ: 17ની ધરપકડ, 88 સામે ફરિયાદ નોંધાઈ
Godhra News: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં 19 સપ્ટેમ્બરના રોજ એક મોટી ઘટના બની, જ્યાં પશ્ચિમ વિસ્તારના એક સમુદાયના લોકોએ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર હુમલો કરી તોડફોડ કરી હતી. આ ઘટનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 17 લોકોની ધરપકડ કરી છે અને કુલ 88 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટનાને કારણે શહેરમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો, પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે.
આ પણ વાંચો: ગોધરામાં ટોળાએ પોલીસ મથકે પહોંચીને ધમાલ મચાવી, મામલો થાળે પાડવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો
શું હતી ઘટના?
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આગામી નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. આ ઈન્ફ્લુએન્સરને વિનંતી કરવામાં આવી હતી કે તે કોઈ પણ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ સોશિયલ મીડિયા પર ન મૂકે, જેથી શાંતિ જળવાઈ રહે.
જોકે, ઈન્ફ્લુએન્સર દ્વારા આ અગાઉ કોઈ ધાર્મિક પોસ્ટર સાથે વિડીયો બનાવવામાં આવ્યો હતો, જેના કારણે કેટલાક લોકોમાં એવી ગેરસમજ ફેલાઈ કે પોલીસ તેને આ જ કારણસર બોલાવી રહી છે. આ ગેરસમજને કારણે મોટી સંખ્યામાં લોકોનું ટોળું પોલીસ સ્ટેશન પાસે એકત્ર થઈ ગયું. પરિસ્થિતિ વણસતા ટોળાએ પોલીસ ચોકી નંબર 4 પાસે તોડફોડ કરી અને પથ્થરમારો પણ કર્યો. ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેમાં કેટલાક પોલીસકર્મીઓને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી. હુમલાખોરોએ પોલીસ સ્ટેશનમાં રહેલી ખુરશીઓ અને અન્ય સામાન બહાર ગટરમાં ફેંકી દીધો હતો.
પોલીસની કડક કાર્યવાહી
આ ઘટના બાદ પંચમહાલ પોલીસ સક્રિય થઈ અને રાત્રિ દરમિયાન જ ઓપરેશન હાથ ધરીને હુમલાખોરોને ઝડપી પાડ્યા. પંચમહાલના એસ.પી. હરેશ દુધાતે જણાવ્યું હતું કે, 'ગઈકાલે જે ઘટના બની હતી તે મામલે 88 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, અને અત્યાર સુધીમાં 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અલગ અલગ જિલ્લાની 10 ટીમ સર્વેલન્સના માધ્યમથી બાકીના આરોપીઓની શોધખોળ કરી રહી છે'.
પંચમહાલના એસ.પીએ વધુમાં જણાવ્યું હતું કે, 'હાલમાં ગોધરાના તમામ બજારો શાંતિપૂર્ણ રીતે શરૂ થઇ ગયા છે અને શાંતિપૂર્ણ માહોલ છે. દરેક જગ્યાએ પેટ્રોલ ચાલુ છે. કોઈપણને કંઈ પણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી. નવરાત્રી આવે છે તો અમે દર વખતેની જેમ દરેક સમાજના લોકો સાથે ભેગા મળી શાંતિ સમિતિની મીટિંગો બોલાવતા જ હોઈએ છીએ અને આ વખતે પણ શાંતિ સમિતિની મીટિંગો લોકો સાથે યોજવાની છે.'
હાલ ગોધરા શહેરમાં ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ફૂટ પેટ્રોલિંગ પણ કરી રહી છે. પોલીસ દ્વારા શહેરીજનોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી પર ધ્યાન ન આપવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે. હાલ ગોધરામાં પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે અને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે.