Rajkot News: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં છ વર્ષની બાળકી પર બનેલા અતિ ગંભીર દુષ્કર્મ અને હેવાનિયતની ઘટનાના આરોપી રામસિંહે પોલીસની સખત અને ત્વરિત કાર્યવાહીથી ડરીને પોતે કરેલી ભૂલનો એકરાર કર્યો છે. પોલીસે કરેલી કાર્યવાહીના પગલે આરોપીએ કણસતા અવાજે કહ્યું કે, 'મારી ભૂલ થઈ ગઈ. હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં. હું કયારેય ગુજરાતમાં આવીશ નહીં.' આરોપીના આ શબ્દો પોલીસની સખતાઈ દર્શાવે છે, જેનાથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.
શું છે સમગ્ર ઘટના?
જસદણના આટકોટમાં એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થયો હતો, જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. આરોપીએ હેવાનિયતની હદ વટાવતા બાળકીના ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી દીધું હતું અને તેને ગંભીર ઇજા પહોંચાડી ક્રૂરતા આચરી હતી. ગંભીર હાલતમાં બાળકીને છોડીને આરોપી નાસી ગયો હતો.બાળકીની ગંભીર હાલતને જોતા તેને વધુ સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, જેનાથી આ ઘટનાનો પર્દાફાશ થયો હતો.
આ પણ વાંચો: રાજકોટમાં યુવકે મહિલા ભાગીદારને વાળ પકડીને ઢોર માર માર્યો, CCTV ફૂટેજ સામે આવ્યા
આરોપીને પકડવા જતાં પોલીસને ફાયરિંગ કરવું પડ્યું
આરોપી રામસિંહની ધરપકડની કાર્યવાહી દરમિયાન નાટકીય વળાંક આવ્યો હતો. પોલીસે આરોપી રામસિંહને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ભાગવાનો અને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે આરોપીના પગમાં ઇજા થઈ હતી અને તે ઝડપાઈ ગયો હતો.આ કાર્યવાહીમાં એક પોલીસ જવાન પણ ઇજાગ્રસ્ત થયો હતો.
પોલીસની આ સખત અને ત્વરિત કાર્યવાહીએ આરોપીને માત્ર ગુનો કબૂલ કરવા મજબૂર નથી કર્યો, પરંતુ ભવિષ્યમાં ગુજરાતમાં ન આવવા અને આવી ભૂલ ક્યારેય ન કરવાના વચન પણ આપ્યા છે. આ કિસ્સામાં પોલીસે દાખવેલી આક્રમકતાને કારણે રાજ્યમાં ગુના આચરતા તત્વોમાં કાયદાનો ડર પેદા થયો છે.


