Rajkot News: રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાં આવેલી 'ધ સ્પાયર ટુ' નામની બિલ્ડિંગની એક ઓફિસમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા ભાગીદારને તેના પુરુષ ભાગીદાર દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ધંધામાં ધ્યાન આપવાનું કહેતા સર્જાયો વિવાદ
મળતી માહિતી અનુસાર, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 36 વર્ષીય મહિલા ભાગીદારે આકાશવાણી ચોક ખાતે રહેતા તેના ભાગીદાર મૌલિક નાદપરા સામે ફરિયાદ નોંધાવી છે. શીતલ પાર્ક ખાતે આવેલી ઓફિસમાં મહિલાએ મૌલિક નાદપરાને ધંધાના કામકાજમાં યોગ્ય રીતે ધ્યાન આપવા માટે કહ્યું હતું. આ વાતથી મૌલિક નાદપરા ઉશ્કેરાઈ ગયો હતો. તેણે મહિલાની માથે બેસીને તેના વાળ પકડીને ઢોરમાર માર્યો હતો. મહિલાની ફરિયાદના આધારે મૌલિક નાદપરા સામે Bnsની કલમ 115 (2) અને 351 (3) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.
![]() |
| આરોપી મૌલિક નાદપરા |
પોલીસે આરોપીની અટકાયત કરી
યુનિવર્સિટી પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર આરોપી મૌલિક નાદપરાની અટકાત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



