રાજકોટમાં એકસાથે 8 શાળાને વાગ્યા તાળા! જાણો શિક્ષણાધિકારીએ કેમ લીધો નિર્ણય
Education News: સૌરાષ્ટ્રના રાજકોટમાંથી વિદ્યાર્થી વિનાની 8 શાળાઓ બંધ કરવા માટે ડીઈઓ દ્વારા પગલા ભરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા અનુસાર, આ શાળામાં બાળકો શૂન્ય, નહિવત અથવા ફક્ત RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ ભણતા હતા. તેથી વિદ્યાર્થીઓની કમીના કારણે શાળાઓને નોટીસ પાઠવીને તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચોઃ ઉધના રેલ્વે સ્ટેશન ખાતેનો બ્લોક દૂર થતા 8 ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ થયા
8 શાળાઓ કરાઈ બંધ
મળતી માહિતી મુજબ, જે શાળાઓ ફક્ત કાગળ પર ચાલતી હતી અને વિદ્યાર્થીઓ ન હતા. ગોંડલ, ધોરાજી, જસદણ, વસાવડ અને શિવરાજપૂરની આવી 8 શાળાને તાળા મારવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા સંચાલકોની સુનાવણી માટે તેમને રૂબરૂ બોલાવ્યા હતા. ત્યાર બાદ તેમની સાથે વાટાઘાટો કરી તમામ 8 શાળા રદ કરવા શિક્ષણ વિભાગને ભલામણ કરવામાં આવી છે.
RTE હેઠળ અભ્યાસ કરતા બાળકોનું શું થશે?
આ વિશે વધુ માહિતી આપતા ડીઈઓ દિક્ષીત પટેલે કહ્યું કે, રાજકોટમાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે, અમુક શાળાઓ છેલ્લાં 5 વર્ષથી બંધ હતી. આમાંથી અમુક શાળામાં શૂન્ય, અમુકમાં નહિવત તો અમુક પ્રાઇવેટ સ્કૂલમાં તો ફક્ત આરટીઈના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તેથી આ શાળા બંધ કરવા અને શાળાની માન્યતા રદ કરવા માટે ગાંધીનગર શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં ગાંધીનગરથી આ મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ સિવાય જે બાળકો આરટીઈ હેઠળ અભ્યાસ કરતા હતા તેમને અન્ય શાળામાં ટ્રાન્સફરની કામગીરી હાથ ધરાઈ છે. આ સાથે જ જો અન્ય કોઈ બાળક શાળામાં હોય તો તેમનું પણ ટ્રાન્સફર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ આણંદ બાળકી હત્યા કેસમાં નવો વળાંક, આરોપીએ દુષ્કર્મ ગુજાર્યાની કરી કબૂલાત
કઈ શાળાઓમાં વાગશે તાળા?
- રોટરી મીડટાઉન - મેટોડા
- વિદ્યામંદિર ઇંગ્લીશ સ્કૂલ - ગોંડલ
- સરસ્વતી વિદ્યાલય - મોટીમારડ (ધોરાજી)
- શ્રેયસ સંસ્કાર મંદિર - જસદણ
- અવધ વિદ્યાલય - વસાવડ
- રાધે-ક્રિષ્ના પ્રાથમિક શાળા - વસાવડ
- નવ વિધાન વિદ્યાલય પ્રા.શાળા - ગોંડલ
- શિવશક્તિ વિદ્યા મંદિર - શિવરાજપુર