આણંદમાં 2 દિવસથી વરસાદી માહોલ : સોજીત્રામાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ

- સવારે વાદળો છવાયા, બપોર બાદ વરસાદ
- જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખૂશી : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી
આણંદ જિલ્લાભરમાં ગતરોજ બપોર બાદ વરસાદનું જોર વધવા પામ્યું છે. ખાસ કરીને ગઈકાલ બપોર બાદ જિલ્લાના બોરસદ, ખંભાત, પેટલાદ, આંકલાવ અને સોજીત્રા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જોકે મોડી રાતે જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો. આજે સવારથી જ આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું હતું. જિલ્લાના કેટલાક ઠેકાણે હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. જોકે બપોર બાદ પુનઃ એક વાર જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. સોજીત્રા તાલુકામાં લગભગ એક ઇંચ વરસાદ નોંધાયો હતો. મોડી સાંજ સુધી જિલ્લામાં ઠેર ઠેર વરસાદી ઝાપટા વરસવાનું ચાલુ રહ્યું હતું. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોમાં ખૂશી જોવા મળી છે. જોકે કેટલાક સ્થળોએ ખેતરોમાં વરસાદી પાણી ભરાવાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આણંદ તથા આસપાસના પંથકમાં નમતી બપોર બાદ ધીમીધારે સતત વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકોને તકલીફમાં મૂકાયા હતા. આણંદ જિલ્લા પુર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ, આજે બપોરના બેથી ચાર કલાકમાં જિલ્લાના તારાપુર તાલુકામાં ૫ મિ.મી., સોજીત્રામાં ૨૬ મિ.મી., ઉમરેઠમાં ૧૦ મિ.મી., આણંદમાં ચાર મિ.મી., પેટલાદમાં બે મિ.મી., ખંભાતમાં એક મિ.મી., બોરસદમાં ત્રણ મિ.મી. અને આંકલાવમાં આઠ મિ.મી. વરસાદ નોંધાયો હતો. આગામી બે દિવસમાં જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસવાનું ચાલુ રહેવાની સંભાવના છે.

