ગુજરાતના 5 જિલ્લામાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ, હજુ 4 દિવસ થશે મેઘમહેર
Rain Forecast, Gujarat : રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે (14 જુલાઈ) 13 થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યુ છે. તેવામાં રાજ્યમાં આજે સોમવારે 74 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે.
5 જિલ્લામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે (14 જુલાઈ) રાત્રે 10 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અને કચ્છ જિલ્લામાં 41-61 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મહીસાગર, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
આવતીકાલે આ ત્રણ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલે મંગળવારે (15 જુલાઈ) અરવલ્લી, સાબરકાંઠા અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
જ્યારે આગામી 16 થી 18 જુલાઈ સુધી રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ અને ભારે વરસાદ થવાની શક્યતા છે.