ગુજરાતમાં હજુ 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા, આજે અમદાવાદ-કચ્છમાં વરસાદી ઝાપટા
Rain Forecast : ગુજરાતના દરિયાકાંઠામાં 'શક્તિ' વાવાઝોડુંની અસર જોવા મળી છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હજુ 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન સોમવારે (6 ઑક્ટોબર) અમદાવાદ, કચ્છ સહિત કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા છે.
7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 2 દિવસ એટલે કે 8 ઑક્ટોબર સુધી ગુજરાતભરના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
જ્યારે 9 ઑક્ટોબરથી 12 ઑક્ટોબર સુધી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરુચ, વડોદરા અને છોટા ઉદેપુર સહિત 16થી વધુ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યમાં આજે સોમવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 12 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે. જેમાં અમદાવાદના સાણંદમાં 12 મિ.મી., કચ્છના નખત્રાણામાં 7 મિ.મી., થરાદમાં 6 મિ.મી. વરસાદ થયો છે.