ભાજપ સાંસદ મનસુખ વસાવાના ગામના રસ્તા માટે AAPના ચૈતર વસાવાએ પદયાત્રા યોજી, રાજકારણ ગરમાયું
Bharuch News : દેડીયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાના ગામ જુનારાજ સહિત આસપાસના ગામોને જોડતા રોડનું કામ તાત્કાલિક શરૂ કરાવવાની માગ સાથે આજે સોમવારે (6 ઓક્ટોબર) વહેલી સવારે પદયાત્રા યોજી હતી. આઝાદીના 78 વર્ષ પછી પણ જુનારાજ ગામમાં રોડ ન બનતા અને મંજૂર થયેલ ડામર રોડનું કામ વન વિભાગ દ્વારા અટકાવી દેવાતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.
પદયાત્રા યોજી આવેદનપત્ર આપ્યું
ધારાસભ્ય ચૈતર વસાવાએ જીતગઢથી જુનારાજના રોડનું કામ શરૂ કરાવવા માટે જુનારાજ ગામથી પદયાત્રા શરૂ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, AAPના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. આ ઐતિહાસિક પૌરાણિક ગામોમાં જુનારાજ, ઉપલા જુનારાજ, વેરિસાલ, પાંચખાડી, કમોંદીયા, દેવહાત્રાને જોડતા રસ્તાની માગ સાથે તેમણે પદયાત્રા બાદ નર્મદાના નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
વન વિભાગના 'બેવડા વલણ' સામે સવાલો
આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી કે, જીતગઢથી જુનારાજને જોડતો 14 કિ.મી. ડામર રોડ મંજૂર થયેલો છે અને તેની સ્ટ્રક્ચરની કામગીરી પણ 12 માર્ચ, 2024ના રોજથી શરૂ કરવામાં આવી હતી. જોકે, વન વિભાગ (કેવડીયા અને નર્મદાના નાયબ વન સંરક્ષક) દ્વારા 'ફોરેસ્ટ NOC-પરવાનગી નથી મળી'નું કારણ આપીને વાહનો જપ્ત કરી કામગીરી અટકાવી દેવામાં આવી હતી.
મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી, સામાન્ય રોડ પર રોક
ધારાસભ્ય વસાવાએ તંત્રના આ વલણ પર સખત સવાલ ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જે રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું તે રોડનું કામ અટકાવતા સ્પષ્ટ દેખાય છે કે સાંસદની વાત પણ તંત્ર સાંભળી રહ્યું નથી.
ચૈતર વસાવાએ આવેદનપત્રમાં સવાલ કર્યો કે, આ જ નર્મદા જિલ્લામાં આજ વન વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન તમામ પ્રોજેકટો, સાપુતારા-સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગ્રીન કોરિડોર, માલસામોટ ઇકો ટુરીઝમ જેવા મોટા પ્રોજેક્ટોમાં રાતોરાત મંજૂરી આપીને કામો થઈ જાય છે, ત્યારે લોકોની મૂળભૂત સુવિધાઓ માટેના રસ્તાઓ માટે ફોરેસ્ટ ક્લિયરન્સની માગણી શા માટે? આ વલણ ગેરવ્યાજબી છે.
ગામડાં આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત
વસાવાએ જણાવ્યું હતું કે, જ્યાં એક તરફ દેશના દરેક જિલ્લામાં અમૃત મહોત્સવ મનાવવા કરોડોની ગ્રાન્ટ વપરાય છે અને નર્મદા જિલ્લો SOU જેવા પ્રોજેક્ટને કારણે ગૌરવ લઇ રહ્યો છે, ત્યાં બીજી તરફ જિલ્લાના અનેક ગામડાં આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે.
- રસ્તા ન હોવાથી 108 એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી.
- મહિલાઓને ડિલિવરી માટે ઝોલી કે નાવડીઓમાં લઈ જવી પડે છે.
- ઘણા કિસ્સાઓમાં રસ્તે જ બાળક કે મહિલાનું મોત નીપજે છે, જેવી કે ચાપટ ગામની ઘટનાએ સૌને દુઃખી કર્યા હતા.
ઐતિહાસિક ગામ છે જુનારાજ
જુનારાજ ગામનો 500 વર્ષ જૂનો ઇતિહાસ છે, જેમાં 1834માં બનેલું નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, ગોહિલ વંશના રાજાઓના મહેલ અને 750 વર્ષ જૂના દેવહાતિયા ભીલના નિવાસસ્થાનના અવશેષો છે. આ ગામના લોકોએ કરજણ ડેમના નિર્માણમાં સહકાર આપીને મોટું યોગદાન આપ્યું હોવા છતાં, આજે તેઓ મૂળભૂત રસ્તા માટે વહીવટી તંત્રને આજીજી કરી રહ્યા છે.
આ પણ વાંચો: મહીસાગર BOB લોન કૌભાંડ: બેંક મેનજર ભૂપેશ પુરોહિતની ધરપકડ, પોલીસ સ્ટેશનમાં બતાવ્યો રૂઆબ
15 દિવસનું અલ્ટીમેટમ
ચૈતર વસાવાએ તંત્રને 15 દિવસનું અલ્ટીમેટમ આપતા ચેતવણી ઉચ્ચારી છે કે, જો તાત્કાલિક અસરથી જીતગઢથી જુનારાજના ડામર રોડની કામગીરી ચાલુ નહીં કરવામાં આવે, તો અસરકર્તા તમામ ગામના લોકો ભેગા મળીને આગામી 31 ઓક્ટોબર, 2025ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવા માટે કેવડીયા પહોંચશે.