ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો, ડભોઈમાં 6 ઇંચ ખાબક્યો
Monsoon In Gujarat: ગુજરાતમાં ચોમાસાની પધરામણી થઈ ચૂકી છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતને પણ ચોમાસુ ઘમરોળશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડભોઇમાં 6 ઇંચ, સંખેડામાં 5 ઇંચ, ઉમરપાડામાં 3.5 ઇંચ, ઉમરગામમાં 3.5 ઇંચ, આહવામાં 3.5 ઇંચ, શિહોરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પાલનપુરમાં 2.8 ઇંચ, ખાંભામાં 2.6 ઇંચ, કામરેજમાં 2.4 ઇંચ, માંગરોળ 2.2 ઇંચ, વઘઇમાં 2.4 ઇંચ, તારાપુર અને વલ્લભીપુરમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો.
6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચો: પ્રાણીઓના વેકેશનનો પ્રારંભ : ગુજરાતના અભ્યારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન ચાર મહિના માટે બંધ
17મી જૂનની આગાહી
17મી જૂને ભાવનગરમાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, આણંદ, ખેડા, ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
18મી અને 19મી જૂનની આગાહી
રાજ્યમાં 18મી જૂનના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અને 19 જૂને ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 20મી અને 21મી જૂનના રોજ નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે.