ગુજરાતમાં છેલ્લા 24 કલાક 198 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નડિયાદમાં 10.43 ઈંચ, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Heavy Rain In Gujarat: ગુજરાતના અનેક જિલ્લામાં વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના નડિયાદમાં 10.43 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમદાવાદના દસ્ક્રોઈમાં 10.35 ઈંચ, મહેમદાવાદ 9.37 ઈંચ, માતરમાં 8.03 ઈંચ, મહુધામાં 7.05 ઈંચ, વાસોમાં 6.22 ઈંચ, કઠલાલમાં 5.31 ઈંચ, ઉમરેઠમાં 5.28 ઈંચ, સાણંદમાં 4.96 ઈંચ અને ખેડામાં 4.96 ઈંચ નોંધાયો છે. બીજી તરફ સોમવારે (28મી જુલાઈ) ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવારે (28મી જુલાઈ) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ધોળકાના જલાલપુર- રાજપુર પાસે કેનાલમાં ગાબડાંથી જળબંબાકાર
29મી જુલાઈએ 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપી છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
ગુજરાતના જળાશયોની સ્થિતિ
ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 54 ટકા વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યના 29 જળાશયો હાલ 100 ટકા ભરાઈ ગયા છે. જેમાં કચ્છના સૌથી વધુ 5, ભાવનગરના 4, સુરેન્દ્રનગરના 3 જળાશયનો સમાવેશ થાય છે. 62 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 38 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસ્તર છે. હજુ પણ 36 જળાશયો એવા છે જ્યાં જળસ્તર 25થી નીચું છે. હાલ ગુજરાતના 48 જળાશયમાં જળસ્તર 90 ટકાથી વધુ હોવાથી હાઈએલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. 21 જળાશયો એલર્ટ અને 21 જળાશયો વોર્નિંગ હેઠળ છે.