ધોળકાના જલાલપુર- રાજપુર પાસે કેનાલમાં ગાબડાંથી જળબંબાકાર
- શાળાઓ, મંદિરો, શેરીઓમાં પાણી ઘૂસ્યા
- ખેતરો બેટમાં ફેરવાઇ ગયા : જમીન અને પાકનું ધોવાણ થતા ખેડૂતોની હાલત કફોડી
ધોળકા તાલુકાના જલાલપુર-રાજપુર ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં સિંચાઈનું પાણી છોડવામાં આવી રહ્યું હતું. ત્યારે ધોધમાર વરસાદ પડતા કેનાલમાં ગાબડું પડતા ચારેતરફ પાણી ફરી વળ્યા હતા. જેના પગલે સીમ વિસ્તારો તથા ગામના વિસ્તારોમાં કેનાલના પાણી તથા વરસાદના પાણી ફરી વળ્યા હતા. શેરી, મહોલ્લાના અમુક ઘરો તથા જાહેર માર્ગો ગામના નીચાણવાળા વિસ્તોર, શાળાઓ મંદિરોમાં પાણી ફરી વળ્યા હતા. ગામના યુવાનો તથા સેવાભાવી આગેવાનોએ આ કુદરતી વરસાદી આફતના ભોગ બનેલા અસરગ્રસ્તોને મદદરૂપ થવા પ્રયત્નો શરૂ કર્યા હતા. ખેત વિસ્તારોમાં ફરી વળેલા પાણીથી ખેતી પાક તથા જમીનને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરમાં પાણી ફરી વળતા ઊભા પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. ખેતરો હાલ તો બેટમાં ફેરવાયા છે. ત્યારે તંત્ર દ્વારા નર્મદા કેનાલમાં પાણી બંધ કરવા ગાંધીનગર જાણ કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે.