છેલ્લા 24 કલાકમાં ગુજરાતનાં 140 તાલુકામાં વરસાદ
- માણસામાં સૌથી વધુ 4 ઇંચ નોંધાયો
અમદાવાદ, તા. 25 જુલાઈ 2020 શનિવાર
રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ છવાઇ છે, છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ ગાંધીનગરનાં માણસા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જે બાદ અમરેલીના સાવરકુંડલામાં 3.92 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપીનાં સોનગઢમાં 3.72 અને કડીમાં 3.70 ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં હજી બે દિવસ વરસાદી સિસ્ટમ છવાયેલી છે જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસવાની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરના ચોટિલામાં 81 એમએએમ, તાપીનાં નિઝરમાં 72 એમએમ , ખેડાના કપડવંજમાં 66 એમએમ, મહેસાણામાં 58 એમએમ વરસાદ નોંધાયો છે.
મહત્વનું છે કે, રાજ્યમાં બે દિવસ વરસાદ મામલે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ હળવાથી ભારે વારસાદ પડી શકે છે.
રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદી માહોલ જામ્યો છે. જે અનુસંધાને આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ છે. આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 25 અને 26 જુલાઇ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતાં ગુજરાતમાં વરસાદ આવી શકે છે. હાલ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. ત્યારે હવે હવામાન વિભાગે રાજ્યના અલગ અલગ વિભાગમાં થન્ડરસ્ટોર્મની આગાહી છે.