અમદાવાદમાં અવિરત વરસાદ, ગુજરાતના 204 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ભિલોડામાં 6.6 ઈંચ
Rain In Gujarat: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે રવિવારે (6 જુલાઈ) સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 129 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 5.2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ આજે (6 જુલાઈ) છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં 6.6 ઇંચ વરસાદ વરસ્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે રવિવારે (6 જુલાઈ) અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં સેટેલાઇટ, જોધપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા, પાલડી, જમાલપુર, વાડજ, વસ્ત્રાપુર, કાલુપુર, શાહપુર, નરોડા, ઈનકમ ટેક્ષ ચાર રસ્તા, શિલજ, બોપલ, આંબલી, ઈસકોન, પકવાન, ગોતા, બોડકદેવ, રિવરફ્રન્ટ, નારણપુર, મકરબા સહિતના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે.
24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર
આજે (6 જુલાઈ) છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં 6.6 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે તાપીના વ્યારામાં 5.55 ઇંચ, ડોલવણમાં 5.31 ઇંચ, સુરતના પલસાણામાં 4.92 ઇંચ, વલસાડના કપરાડામાં 4.84 ઇંચ, તાપીના સોનગઢમાં 4.65 ઇંચ, સુરત સિટીમાં 4.57 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં 42 તાલુકામાં 2 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
129 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે રવિવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં સુરતના બારડોલીમાં 4.69 ઈંચ, પલસાણામાં 4.17 ઈંચ, ડાંગના સુબિરમાં 3.66 ઈંચ, નવસારીના વાંસદામાં 3.15 ઈંચ અને તાપીના સોનગઢમાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો છે.
6 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રવિવારે (6 જુલાઈ) અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ અને રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરુચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
7 જુલાઈની આગાહી
7 જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
8થી 11 જુલાઈની આગાહી
રાજ્યમાં આાગમી 8થી 11 જુલાઈ સુધીમાં વલસાડ, તાપી, નવસારી, સુરત, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.