ગુજરાતના ખેડૂતોની ચિંતા વધી! હજુ ચાર દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી, જુઓ ક્યાં નોંધાયો વરસાદ
Weather News : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ પડ્યો. ભરઉનાળે વાતાવરણ પલટાતાં પવન ફૂંકાવવાની સાથે માવઠું થતાં ખેડૂતોના પાકને નુકસાન પહોચ્યું હોવાનું સામે આવ્યું છે. તેવામાં હવામાન વિભાગે આગામી 13 મે, 2025 સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને પવન ફૂંકાવવાની આગાહી કરી છે, ત્યારે આજે શુક્રવારે (9 મે) અમરેલી, બોટાદ, ડાંગ, નર્મદા, ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં 8 મેના 6 વાગ્યાથી 9 મેના 6 વાગ્યાના 24 કલાક દરમિયાન કુલ 63 તાલુકામાં માવઠું થયું હતું.
આગામી બે દિવસ ગુજરાતભરમાં માવઠાની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ચાર દિવસ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે. ત્યારે આવતીકાલે 10 મેના રોજ રાજ્યભરના અમુક સ્થળોએ અને 11 મેના રોજ રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી છે.
12 મેની આગાહી
રાજ્યમાં આગામી 12 મેના રોજ 25 જિલ્લામાં માવઠું થશે. જેમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ સહિત સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
જ્યારે 13 મેના રોજ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં કડાકા સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ થવાન શક્યતા છે.
આ પણ વાંચો: અમરેલીમાં વરસાદની બેટિંગ યથાવત્, ખેડૂતો ચિંતિત: જાણો ક્યાં ક્યાં માવઠાની આગાહી
રાજ્યમાં આજે 9 મેના રોજ સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા દરમિયાન 32 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં ગાંધીનગરના દહેગામમાં 23 મિ.મી., ભરૂચના વાગરામાં 18 મિ.મી., મહેસાણાના ઊંઝા અને ડાંગના આહવામાં 12-12 મિ.મી., સુરતના મહુવામાં 11 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે 8 મેના 6 વાગ્યાથી 9 મેના 6 વાગ્યાના 24 કલાક દરમિયાન કુલ 63 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો.