ગોધરામાં વરસાદી આફત: ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકોની હાલત કફોડી, તંત્ર સામે આક્રોશ
Panchmahal News : ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ભારે વરસાદ બાદ ગોધરા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. શહેરના ઈદગાહ મોહલ્લા વિસ્તારમાં ઉપરવાસના વરસાદી પાણીનો એવો પ્રવાહ આવ્યો કે જાણે કોઈ ધસમસતી નદી વહી રહી હોય. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી આ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગોધરામાં વરસાદી આફત
પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિને કારણે અનેક પરિવારો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. પાણીમાં ડૂબી ગયેલી કારની માત્ર છત જ દેખાઈ રહી છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ અંગે જવાબદાર તંત્રને જાણ કરવામાં આવી હતી, તેમ છતાં એક પણ અધિકારી ઘટનાસ્થળે મદદ માટે પહોંચ્યા નથી. તંત્રની આ બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઉમરેઠમાં ધોધમાર
આવી કપરી પરિસ્થિતિમાં સ્થાનિક યુવાનો જ લોકો માટે 'દેવદૂત' બનીને આવ્યા છે. તેઓ પોતાના જીવના જોખમે બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં મદદ કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં પાણીના નિકાલની વ્યવસ્થા અંગે અને તંત્રની નિષ્ફળતા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે.