પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઉમરેઠમાં ધોધમાર
Panchmahal Rain Updates : ભાદરવાની શરૂઆતથી જ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના હાલોલમાં ભારે વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર 6 કલાકમાં જ 9 ઇંચ વરસાદ ખાબકતા હાલોલના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
જળબંબાકારની સ્થિતિ
6 કલાકમાં 9 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે અને જનજીવન ઠપ્પ થઈ ગયું છે. આણંદ જિલ્લાના ઉમરેઠમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. અહીં 5 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજ્યભરમાં મેઘમહેર
આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 6.34 ઇંચ નોંધાયો છે.ભારે વરસાદના કારણે ડાકોર-નડિયાદ રોડ પર પણ પાણી ભરાયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે.
લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો
ભારે વરસાદના કારણે હાલોલમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે, જેથી તંત્ર દ્વારા એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં સિઝનનો 88 ટકા વરસાદ
ગુજરાતમાં હજુ સુધી સિઝનનો 88 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 43 તાલુકામાં 40 ઈંચથી વઘુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 103 તાલુકામાં ગુરૂવારે મેઘમહેર થઇ હતી. જેમાં તાપીના ડોલવણમાં બે કલાકમાં પાંચ સહિત સૌથી વઘુ 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ સાત દિવસ ગુજરાતમાં ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે.
આગામી દિવસોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ માછીમારોને આગામી 7 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.