ભારત ટેક્સી : મુસાફરો પર મોંઘુ ભાડું તો ચાલકો પર ચાર્જનું ભારણ, કેન્દ્ર સરકારનો દાવો પોકળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : ભારત સરકાર દ્વારા દરેક નાગરિકને સરળ અને સસ્તા દરે કેબ ટેક્સી અને ઓટોરિક્ષા સેવા ઉપલબ્ધ કરાવવા શરૂ કરાયેલી ભારત ટેક્સી એપ્લિકેશન હવે પોતાના જ દાવાઓને લઈ ચર્ચાની એરણે ચડી છે. સસ્તા ભાડાની વાતો કાગળ પર જ રહી ગઈ હોય તેમ અમદાવાદમાં ભારત ટેક્સીનું ભાડું ખાનગી કેબની સમકક્ષ તો ક્યારેક તેનાથી પણ વધુ હોય છે. બીજી બાજુ ઝિરો કમિશનની વાતો વચ્ચે સરકાર નફાનો સ્વાદ લાગી ગયો હોય તેમ ભવિષ્યમાં નફો અપાશે તેમ જણાવી ટેક્સી ચાલકો પાસેથી ચાર્જની પણ વસૂલાત શરૂ કરાઈ છે.
સરકારનાં દાવા કરતા વાસ્તવિકતા અલગ
આજના મોંઘવારીના યુગમાં સામાન્ય નાગરિક પણ ઓછા ભાડામાં ટેક્સીનો ઉપયોગ કરે તે માટે સરકાર દ્વારા ફેબ્રુઆરી 2026 થી ટેક્સી-રિક્ષા ઓનલાઇન બુક કરાવવા ‘भारत टैक्सी’ (ભારત ટેક્સી) એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. પરંતુ હાલમાં તો તે નામ પુરતી સહકારી અને સસ્તી સાબિત થઈ રહી છે. અમદાવાદમાં ભારત ટેક્સીનું ભાડું અને અન્ય ખાનગી કેબ કંપની દ્વારા લેવાતું ભાડું મોટાભાગે સમાંતર હોય છે. સર્જ પ્રાઇઝિંગ નહીં હોવાના દાવા વચ્ચે પિકઅવર્સમાં તો ભારત ટેક્સીમાં સર્જ પ્રાઇઝિંગ ખાનગી કંપની પણ રેકોર્ડ તોડી નાંખે છે. બીજી બાજુ ‘સારથી હી માલિક’ના મોટામોટા દાવા કરી આમાં ડ્રાઇવર ઝિરો કમિશન પર ટેક્સી ચલાવી શકે તેવી વાતો કરાઈ હતી. એટલે કે તેઓએ આ એપને કોઈ કમિશન આપવાનું રહેતું નથી. પરંતુ એપ લોન્ચના ચાર મહિનામાં જ સરકારે વેપારી અભિગમ અપનાવી શરૂઆત કરી દીધી હતી. એટલા અસહ્ય ચાર્જ વસુલવાનું શરૂ કરી દીધું હતું કે હવે ભારત ટેક્ષી ખાનગી કંપનીઓ કરતા પણ વધારે ચાર્જ વસુલે છે અને તેના કારણે તેના ભાડા પણ મોંઘા છે.
અમદાવાદમાં 15 હજાર જેટલી કેબની ભારત ટેક્સીમાં નોંધણી
ભારત ટેક્સી શરૂ થયાના ત્રણ મહિનામાં જ ગુજરાતમાં એક લાખ ડ્રાઇવરે તેમાં નોંધણી કરાવી છે. અમદાવાદમાં હાલ 25 હજારથી વધુ ટેક્સી ચાલકો કાર્યરત છે. જે પૈકીના 15 હજાર જેટલા જ ટેક્સી ચાલકો ભારત ટેક્સી સાથે જોડાયેલા છે. અનુભવી સૂત્રોના જણાવ્યા અનુસાર ખાનગી ઓનલાઇન ટેક્સી બુકિંગ કંપનીઓએ હાલ પોતાની પકડ મજબૂત કરી દીધી છે. સાથે જ તેમાં રાઇડની સંખ્યા વધારે મળતી હોવાથી ડ્રાઇવર તે કંપની સાથે વધુ કામ કરે છે. જેથી હજુ દરેક ડ્રાઇવરને ભારત ટેક્સી સાથે જોડાતા દોઢ-બે વર્ષ જેટલો સમય લાગી શકે છે.








