Get The App

ભાજપને હંફાવવા માટે રાહુલ ગાંધીની ‘ગુજરાત યોજના’, કોંગ્રેસ કાર્યકરોને મજબૂત તૈયારીની હાકલ

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
ભાજપને હંફાવવા માટે રાહુલ ગાંધીની ‘ગુજરાત યોજના’, કોંગ્રેસ કાર્યકરોને મજબૂત તૈયારીની હાકલ 1 - image


Rahul Gandhi Gujarat Visit: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે સક્રિય છે. છેલ્લા સાત મહિનામાં તેમણે પાંચ વખત ગુજરાતની મુલાકાત લીધી છે, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં આપેલી હાજરી પણ સામેલ છે. આગામી 18મી સપ્ટેમ્બરે બીજી મુલાકાતમાં તેઓ કોંગ્રેસના શહેર અને જિલ્લા પ્રમુખો સાથે પણ વિવિધ મુદ્દે ચર્ચા કરશે.

કાર્યકરોની વ્યાપક તાલીમ અભિયાનના શ્રીગણેશ

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા શરુ કરાયેલા તાલીમ કાર્યક્રમ હેઠળ ગુજરાતના શહેર અને જિલ્લા પ્રમુખોને તાલીમ અપાઈ રહી છે. રાહુલ ગાંધીએ જૂનાગઢમાં આયોજિત તાલીમ શિબિરમાં ચાર કલાક સુધી કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પડકારવાના વ્યૂહ વિશે ચર્ચા કરી હતી.

શારીરિક અને માનસિક તંદુરસ્તી પર ભાર આપો

રાહુલ ગાંધી ફિટનેસ બાબતે બહુ જાગૃત રહે છે. વ્યસ્ત રાજકીય કાર્યક્રમ વચ્ચે પણ તેઓ દૈનિક કસરતો કરવાનું ચૂકતા નથી. તેઓ એકિડો માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ છે. રાહુલ ગાંધીએ જૂનાગઢમાં કોંગ્રેસ કાર્યકરોને પણ શારીરિક અને માનસિક રીતે સજ્જ રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું હતું કે, રાજકીય સંઘર્ષ માટે ઉચ્ચ મનોબળ અને શારીરિક સ્વાસ્થ્ય જરૂરી છે. આ દરમિયાન તેમણે કાર્યકરોને સ્વરક્ષણની તકનીકો પણ શીખવી હતી.

બુથ સ્તરે સંગઠનને મજબૂત બનાવવાની યોજના ઘડી

રાહુલ ગાંધીએ ગુજરાતમાં બુથ સ્તરે સંગઠન મજબૂત બનાવવા પર ખાસ ભાર મૂક્યો છે. તેમણે કાર્યકરોને મતદાન કેન્દ્રો પર મજબૂત પકડ રાખવા અને મતદાનના દિવસે કોઈપણ પ્રકારની છેતરપિંડીને રોકવા સજ્જ રહેવાની સૂચના આપી છે. 

આ પણ વાંચો: ડીજેનું ધ્વનિ પ્રદૂષણ છતાં પોલીસ પગલાં ન લે તે દુર્ભાગ્યઃ નવરાત્રિ પહેલાં હાઇકોર્ટની કડક ટિપ્પણી

આગામી યોજનાઓ અને મુલાકાતો

18મી સપ્ટેમ્બરની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી કાર્યકરોની પ્રગતિની સમીક્ષા કરશે. હવે તેઓ બિહારમાં કરી એવી યાત્રા ગુજરાતમાં પણ કરવાના છે. તેની રૂપરેખા આગામી મહિનામાં જાહેર થશે. ગુજરાત યાત્રા વખતે રાહુલ ગાંધી તમામ વિધાનસભા મતવિસ્તારોની મુલાકાત લેશે, શહેર અને જિલ્લા પ્રમુખોને મળશે અને તેમના ઘરે જ ભોજન કરશે. 

ભાજપની બુથ-સ્તરીય સંગઠન શક્તિનો અભ્યાસ 

વર્ષ 2022ની ગુજરાત ચૂંટણી પહેલાં પણ રાહુલ ગાંધીએ કાર્યકરોને પ્રેરણાદાયી ભાષણો આપ્યા હતા. તેમણે ભાજપની બુથ-સ્તરીય સંગઠનાત્મક સફળતાનો અભ્યાસ કર્યો છે. હવે તેઓ કોંગ્રેસમાં એવી જ માળખાગત મજબૂતી લાવવા માંગે છે. આ તાલીમ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ ગુજરાતમાં ફરી મજબૂત રાજકીય પાયો નાંખવાની તૈયારી કરી રહી છે.

ગુજરાતમાં કોંગ્રેસના પુનરુત્થાન માટેનો સંઘર્ષ

રાહુલ ગાંધીની આ પહેલ ગુજરાતમાં કોંગ્રેસના પુનરુત્થાન માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. કાર્યકરોને પ્રશિક્ષિત કરવા, સંગઠનને મજબૂત બનાવવા અને બુથ સ્તરે કાર્યક્ષમતા વધારવાની આ વ્યાપક યોજના ગુજરાતના રાજકીય પરિપ્રેક્ષ્યમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર લાવી શકે છે.

Tags :