રાધનપુર પાસે ગમખ્વાર અકસ્માત, 5 વાહનોની એકબીજા સાથે ટક્કર, ચારના મોત, અનેક ઈજાગ્રસ્ત
Accident In Radhanpur: પાટણ જિલ્લાના રાધનપુર નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સાથે પાંચ વાહનો અથડાયા હતા. રાધનપુરના મોટી પીપળી નજીક બનેલી આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમા 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરીને વધુ તપાસ હાથ ધરી છે.
કેવી રીતે અકસ્માત સર્જાયો
મળતી માહિતી અનુસાર, અકસ્માતનું પ્રાથમિક કારણ એક બાજુના રસ્તાનું કામ ચાલુ હોવાથી ટ્રેલરનું રોંગ સાઇડમાં આવી જવું માનવામાં આવે છે. રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેલર અને બોલેરો પિકઅપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર બાદ પાછળ આવી રહેલી એક જીપ અને બે બાઇક પણ આ વાહનો સાથે અથડાઈ હતી, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં એક ટ્રેલર, બે બાઇક, એક જીપ અને એક બોલેરો પિકઅપ સહિત પાંચ વાહનોનો સમાવેશ થાય છે. તમામ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.
રાધનપુરના PI આર.કે. પટેલે જણાવ્યું હતું કે, 'એક ટ્રેલર રાધનપુરથી વારાહી બાજુ જઈ રહી હતી અને સામે બોલેરો પિકઅપ જેમાં 10થી 12 લોકો સવાર હતા. આ ઉપરાંત બે બાઇકમાં જેમાં 4 લોકો સવાર હતા. આ તમામ વાહનો વચ્ચે અકસ્માત થયો છે. પ્રાથમિક તપાસમાં પિકઅપ અને ટ્રેલર વચ્ચે સૌ પ્રથમ ટક્કર થઈ હતી.'
આ પણ વાંચો: ધોલેરા-ભાવનગર હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે ટક્કર, 3ની હાલત ગંભીર, 10 ઈજાગ્રસ્ત
ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં, ધારાસભ્ય સ્થળ પર
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક રાધનપુરની રેફરલ હોસ્પિટલ તેમજ આસપાસની અન્ય હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.