અકોટા -મુજમહુડા માર્ગ પર ફરી ભુવો પડતા મ્યુ. કોર્પોરેશનની કામગીરી સામે સવાલ
એક મહિના પહેલા સમારકામ થયેલા સ્થળે ફરી ભુવો પડતા ભ્રષ્ટાચારના આક્ષેપ

શહેરના અકોટા-મુજમહુડા માર્ગ પર ભુવાના સમારકામબાદ ફરી તે જ સ્થળે ભુવો પડતાં મ્યુ. કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠયા છે. આજે અકોટા ગાર્ડન ત્રણ રસ્તા નજીક માર્ગ પર ફરી એક વખત ભુવો પડ્યો હતો. આશરે ચાર ફૂટ પહોળો અનેસાત ફૂટ ઊંડો ભુવો પડતા
સુરક્ષાના ભાગરૂપે મ્યુ. કોર્પોરેશન દ્વારા ભુવાની આસપાસ બેરીકેડ મુકાયા હતા. ઉલ્લેખનીય છેકે, લગભગ એક મહિના અગાઉ આ જ સ્થળે ભુવો પડતાં મ્યુ. કોર્પોરેશન દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું. જોકે આજે ફરી ભુવો પડતા કરાયેલા કામની ગુણવત્તા સામે સવાલો ઉઠયા છે.
આ મુદ્દે એક સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર ૧૨માં સમાવિષ્ટ અકોટા મુજમહુડા માર્ગ પર અવારનવાર ભુવા પડી રહ્યા છે. રસ્તા પર સતત ખોદકામ અને ટ્રાફિકજામના કારણે સ્થાનિક વેપારીઓ તેમજ રહીશો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, એક મહિના પહેલા કરવામાં આવેલું પેચવર્ક હલકી કક્ષાનું હતું, જેના કારણે ફરી તે જ સ્થળે ભુવો પડ્યો છે. સમગ્ર ઘટનાની તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે. -

