Gujarat

પૂજા વંશે બિનસંસદીય શબ્દો કહેતા 7 દિવસ માટે સસ્પેન્ડ : ગૃહમાં હોબાળો

By GS Team
4 Mar 20223 mins read
This article was originally published on 4 Mar 2022
પૂજા વંશે બિનસંસદીય શબ્દો કહેતા 7 દિવસ માટે સસ્પેન્ડ : ગૃહમાં હોબાળો

સતત ત્રીજા દિવસે વિધાનસભાગૃહમાં હંગામો

હર્ષ સંઘવીએ વિધાનસભા કોંગ્રેસ કાર્યાલય નથી, દાદાગીરી નહીં ચાલે કહેતા ઉહાપોહ : પૂજા વંશે દિલગીરી વ્યક્ત કરી

અમદાવાદ : વિધાનસભા સત્રનો ત્રીજો દિવસ પણ હંગામેદાર રહ્યો હતો કેમકે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માટે કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે બિનસંસદીય શબ્દો કહ્યા હતા જેથી ગૃહમાં શાસક પક્ષ અને કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને આવ્યા હતાં.

એટલું જ નહીં,ગૃહમાં  હંગામો મચી ગયો હતો. આખરે શાસક પક્ષની દરખાસ્તને પગલે  વિપક્ષી ધારાસભ્ય પૂંજા વંશને  ગૃહમાંથી સાત દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા હતાં. આ કારણોસર કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી ગૃહમાંથી વોકઆઉટ કર્યુ હતું. 

વિધાનસભામાંપ્રશ્નોતરી કાળ દરમિયાન કૃષિ મંત્રી રાઘવજીએ પ્રશ્નનો જવાબ ન આપતાં કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી  અને ધારાસભ્ય ઋત્વિક મકવાણા બેઠક છોડીને નીચે બેસી ગયા હતાં. આ જોઇ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દખલગીરી કરતાં એવુ કહ્યું કે,આવી દાદાગીરી ન ચાલે. વિધાનસભા એ કંઇ કોંગ્રેસ કાર્યાલય નથી.

આટલું કહેતાં જ વિપક્ષના ધારાસભ્યો ભારે હંગામો મચાવ્યો હતો.એક તબક્કે શાસક પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો સામે સામે આરોપબાજી કરવા માંડયા હતાં. ત્યાં ધારાસભ્ય પૂંજા વંશ ગૃહ મંત્રી માટે બિનસંસદીય શબ્દો બોલ્યાં હતાં જેથી શાસક પક્ષના  ધારાસભ્યો હોબાળો મચાવી દીધો હતો. 

સંસદીય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા ગૃહમાં આવા શબ્દો ન બોલાય તેવો આગ્રહ રાખીને પૂંજા વંશને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. લગભગ દસેક મિનિટના હોબાળા બાદ અધ્યક્ષે પૂંજા વંશને શબ્દો પાછા ખેચવા કહ્યુ હતું. જેથી પૂંજા વંશે દિલગીરી વ્યક્ત કરી શબ્દો પાછા ખેચ્યા હતાં .

જોકે,તેમણે એવુ કહ્યું કે,ગૃહમંત્રીની વાણી વર્તન યોગ્ય નથી. આટલુ કહેતાં ફરી એકવાર ગૃહમાં હંગામો મચ્યો હતો. દંડક પંકજ દેસાઇએ પૂંજા વંશને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી જેને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ઉપરાંત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ ટેકો આપ્યો હતો.

જોકે, ધારાસભ્ય પરેશ ધાનાણીએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી કહ્યુ કે, સભ્યએ દિલગીરી વ્યક્ત કરી લીધી છે અને આખોય મામલો પૂર્ણ થયો છે ત્યારે સરકાર બહુમતીના જોરે વિપક્ષને ટાર્ગેટ કરી રહી છે.આખરે દરખાસ્તને પગલે અધ્યક્ષે પૂંજા વંશને ગૃહમાંથી સાત દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતાં. જોકે, વિપક્ષના નેતા સુખરામ રાઠવા,શેલેષ પરમાર ઉપરાંત કોંગ્રેસના નેતાઓએ અધ્યક્ષ સાથે આ મામલે ચર્ચા કરી હતી.

હર્ષ સંઘવીએ ખેલદિલી દાખવી : હું નવો છું, શીખી રહ્યો છું, સિનિયર સભ્યોને માન આપુ છુ

આ હંગામા વચ્ચે ગૃહમંત્રીએ પણ પરિપકવતા દાખવી એવુ કબૂલ્યુ કે, અમે કદાચ નવા સભ્ય હશું, અમે શીખવાની ભાવનાથી આવીએ છીએ,અમે કઇંક શીખી રહ્યા છીએ. હુ સિનિયર સભ્યોને માન આપુ છુ.

આમ છતાંય મે કોઇ અશિસ્ત ભાષા કે ટિપ્પણી કરી હોય તો વિડીયો ચકાસી લેવામાં આવે. આમ, ગૃહ મંત્રીએ નમ્રતાપૂર્વક કહ્યુ કે, ગૃહમાં આવી ભાષાનો ઉપયોગ થવો જોઇએ નહીં, આ બધાય ધારાસભ્યોના અપમાન બરાબર છે.  ધારાસભ્ય પૂંજા વંશે દિલગીરી વ્યક્ત કરતાં ગૃહમંત્રીએ પણ  રાજકીય ખેલદીલી દાખવી હતી.