ગુજરાતની વધુ એક બેઠક પર ભાજપમાં કકળાટ: કાર્યકરો ઠાલવી રહ્યા છે રોષ

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
ગુજરાતની વધુ એક બેઠક પર ભાજપમાં કકળાટ: કાર્યકરો ઠાલવી રહ્યા છે રોષ 1 - image


Lok Sabha Elections 2024: લોકસભાની વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં પક્ષના આંતરિક જૂથબંધીનો અંત આવી રહ્યો નથી. ભાજપે સાંસદ રંજનબેન ભટ્ટને બદલીને ડો.હેમાંગ જોશીને ટિકિટ આપી હતી. મળતી માહિતી અનુસાર, સ્થાનિક કાર્યકરોમાં રોષ છે કે જેને ટિકિટ આપી એને શું કર્યું પાર્ટી માટે, કાર્યકર્તા આખી જિંદગી ઘસાય અને બીજા આવી તૈયાર થાળીએ બેસી જાય.' 

ડો. હેમાંગ જોશીની નિમણૂક પર વિરોધ 

વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટનો વિરોધ થતા ભાજપે ઉમેદવાર બદલવાની જરૂર પડી હતી. રંજનબેન ભટ્ટે જાતે જ ચૂંટણી લડવાની ઈચ્છા નથી તેવી જાહેરાત કરતા ભાજપના ઉમેદવારોની પાંચમી યાદીમાં વડોદરાના નવા ઉમેદવાર તરીકે ડો. હેમાંગ જોષીના નામની જાહેરાત કરવામાં આવી હતી. માત્ર 33 વર્ષની વયે લોકસભાની દાવેદારી મળતા ડો. હેમાંગ જોષીના નામથી રાજકીય વર્તુળોમાં ચર્ચા તો થઈ રહી છે.

વોટ્સએપ ગ્રૂપમાં કોમેન્ટનો મારો

ઉલ્લેખનીય છે કે, સિનિયર નેતાઓ અને અન્ય જુના કાર્યકર્તાઓને કોરાણે મૂકી ત્રણેક વર્ષથી ભાજપમાં જોડાયેલા ડો. હેમાંગ જોશીની સંગઠનના ગણ્યા ગાંઠ્યા કેટલાક વ્યક્તિઓના ઈશારે પસંદગી કરવામાં આવી હોવાનું ચર્ચાય છે. ત્યારે બીજી તરફ ધૂળેટીના પર્વે સાવલીના ધારાસભ્યને વરેલા વોટ્સએપ ગ્રૂપમાં ડો. હેમાંગ જોશીની નિમણૂકનો વિરોધ શરૂ થયો હતો અને ગ્રૂપમાં હેમાંગ જોશી અંગે વિવિધ કોમેન્ટનો મારો પણ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને ડો. હેમાંગ જોશી મૂળ પોરબંદરના છે, એટલે કે વડોદરાના સ્થાનિક નથી. પરંતુ શહેર માટે આયાતી ઉમેદવાર તરીકે તેમને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News